*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*અમરેલી જિલ્લામાં ૬૭૬૫૦ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર મળશે*
*ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાભ મેળવવા રજીસ્ટર મોબાઈલ નંબરથી બુકિંગ કરાવવાનું રહેશે*
અમરેલી, તા. ૯ એપ્રિલ
કોરોનાના વધી રહેલા વ્યાપ વચ્ચે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સતત જરૂરિયાતમંદ લોકોની મદદરૂપ થઇ રહી છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ માસ સુધી ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય લેવાયો છે. જે પૈકી અમરેલી જિલ્લામાં ૬૭૬૫૦ લાભાર્થીઓ ઉજ્જવલા યોજનાનો લાભ મેળવશે.
આ યોજનાની વિગતવાર વાત કરીએ તો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ માસ માટે ગેસ સિલિન્ડર રિલીફ કરવા માટે તેની બજાર કિંમત લાભાર્થીઓના લિંક થયેલા બેન્ક ખાતામાં સરકારશ્રી દ્વારા અગાઉથી જ ટ્રાન્સફર કરી આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર પરથી રીલીફનું બુકિંગ કરાવવાનું રહેશે.
આ યોજના થકી લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોએ ગેસ સિલિન્ડર મળતાં રાહતનો શ્વાસ લીધો છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)