_*ડાકીયા ડાક કે સાથ પૈસે ભી લાયા*_
*અમરેલી પોસ્ટ વિભાગ દ્વારા ‘પૈસો કી હોમ ડિલિવરી’*
*_આપના કોઈપણ બેંક ખાતામાં રહેલી ૧૦ હજાર સુધીની રકમ પોસ્ટમેન મારફત ઘરબેઠા મેળવી શકાશે_*
*૦૨૭૯૨ ૨૨૩૨૮૮ ઉપર ફોન કરી કોઈ ચાર્જ વગર પૈસા મેળવી શકાશે*
*આલેખન : રાધિકા વ્યાસ, સુમિત ગોહિલ*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
લોકડાઉનની પરિસ્થિતિમાં નાની-મોટી જરૂરિયાતો સંતોષવા માટે દરેક વ્યક્તિને રૂપિયાની જરૂર પડે છે. આવા સમયે બેન્કોની લાંબી લાઈનમાં ઉભા રહેવા કરતા જો નાગરિકોને ઘેરબેઠાં જ નાણા મળે તો કેવું સારું!! આવો જ વિચાર આવ્યો પોસ્ટ વિભાગને. અને લોકોને ઘરે બેઠા નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર સરકારી બેન્ક જ નહીં પરંતુ કોઈપણ બેંકમાં તમારું એકાઉન્ટ હોય તમે આ સુવિધા મેળવી શકો છો.
હવે લોકોને નાણા ઉપાડવા બેંકમાં કે એ.ટી.એમ.માં જવાની જરૂર નહીં રહે, કારણકે સમગ્ર અમરેલી શહેર તેમજ જિલ્લામાં લોકો પોતાના ઘરે જ રૂપિયા ૧૦,૦૦૦ સુધીની રકમ મેળવી શકશે. રજાના દિવસો સિવાય ઓફિસ સમય સવારે ૯:૦૦ થી ૩:૦૦ દરમિયાન પોસ્ટમેન મારફતે લોકો ઘરે જ પોતાના બેન્કખાતાંમાં રહેલા નાણાં મેળવી શકે છે.
અમરેલી હેડ પોસ્ટ ઓફિસના જન સંપર્ક અધિકારી કિશોરભાઈ ભટ્ટ એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ તરફથી કોઈપણ બેંકના ખાતામાં રહેલા નાણાં કોઈપણ ચાર્જ લીધા વગર પોસ્ટમેન દ્વારા ઘરેબેઠા મળે તેવી સુવિધા જિલ્લાના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના પગલે હવે લોકડાઉનના સમયમાં લોકો ઘરબેઠાં જ નાણાં મેળવી શકશે. આ સુવિધા મેળવવા બેન્ક એકાઉન્ટ આધાર અને મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે.
હાલ સમગ્ર દેશ કોરોનાના હાહાકાર વચ્ચે જીવે છે ત્યારે સરકાર દ્વારા લેવાયેલો આ સંવેદનશીલ નિર્ણય લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ લાભ મેળવવા હેડ પોસ્ટ ઓફિસ અમરેલી મોબાઈલ નંબર ૯૪૨૭૫ ૫૭૩૫૦ તથા ૦૨૭૯૨ ૨૨૩૨૮૮ પર નામ, સરનામું, મોબાઈલ નંબર તેમજ જોઈતી રકમ લખાવવાની રહેશે. વહીવટીતંત્ર અને સરકાર તેની તમામ ફરજ નિભાવી રહ્યા છે તો ત્યારે આપણે પણ આપણો નાગરિક ધર્મ બજાવીએ, ઘરમાં જ રહીયે અને સુરક્ષિત રહીયે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)