દાહોદ પાલિકા દ્વારા લેવાયેલા ફરાળી લોટના સેમ્પલ ફેઇલ જતાં કરાયેલા કેસમાં માત્ર ચાર માસમાં એડજ્યુડીકેટિંગ ઓફીસર એમ. જે. દવેએ આપ્યો ચૂકાદો
ભેળસેળવાળા લોટની ઉત્પાદક પેઢી જય શ્રી સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગને સવા લાખનો દંડ અને વિતરક, વિક્રેતાને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ
ફરાળી લોટના નામે ઘઉંનો લોટ ભેળવી લોકોની આસ્થા સાથે ચેડા કરનારી એક પેઢીને તેની બ્રાન્ડ જય શ્રી સ્વામિનારાયણ મિક્સ ફરાળી લોટના દાહોદ નગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના ફેઇલ થયા બાદ ચાલેલા કેસમાં એડજ્યુકેટિંગ ઓફિસર એમ. જે. દવેએ તે કેસ માત્ર ચાર માસના સમયગાળામાં ચાલવી આજે દંડ ફટકાર્યો હતો. જય શ્રી સ્વામિનારાયણ મિક્સ ફરાળી લોટની ઉત્પાદક પેઢીના તમામ ચાર ભાગીદારોને પ્રત્યેકનો રૂ. ૨૫-૨૫ હજાર, વિતરક અને વિક્રેતાને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દાહોદના એડજ્યુડીકેટિંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે દ્વારા ભેળસેળવાળો ફરાળી લોટ વેચનાર દાહોદ નગરના પડાવ રોડ પર આવેલી શ્રી ઇદરીશભાઇ જીનીયાની પેઢીને રૂ. ૧૦ હજારનો દંડ કર્યો છે. જયારે વડોદરા ખાતેના ડીસ્ટ્રીબ્યુટર્સ પેઢી સતગુરૂ કૃપા એન્ટરપ્રાઇઝના માલિક શંકર કાલદાને રૂ. ૧૦ હજાર અને સુરત ખાતેના ઉત્પાદક પેઢી જય શ્રી સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગને તેમના ચાર ભાગીદાર માલીકો સહિત રૂ. ૨૫ હજાર લેખે કુલ રૂ. સવા લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દાહોદ નગરપાલિકાના ફુડ સેફટી ઓફીસર પિન્કલ નગરાલાવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં દાહોદ નગરના પડાવ રોડ પર આવેલી ઇદરીશભાઇ જીનીયાની પેઢી પરથી જયશ્રી સ્વામીનારાયણ મીકસ ફરાળી લોટ ૫૦૦ ગ્રામના પેકેટના નમૂના લેવામાં આવ્યા હતા અને બાદમાં તેના વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે ભૂજ સ્થિત ખૌરાક પરિક્ષણ કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં ફરાળી લોટમાં ઘઉંની ભેળસેળ હોવાનું ફલિત થયું હતું. ફરાળી લોટના કન્ટેઇનમાં ઘઉંનો લોટ હોવા છતાં તેના પેકિંગ પર આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આ હકીકતોને ધ્યાને લઇ દાહોદના એડ્જયુડીકેટિંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને વેપારીઓને દંડનીય શિક્ષાને પાત્ર ગુનો હોય નોટીસ આપી કેસ ચલાવવામાં આવ્યો હતો તથા આજ રોજ તા. ૧૯/૦૩/૨૦૨૦ ના રોજ ચુકાદામાં આ દંડ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અયોગ્ય ગુણવત્તાના અને અખાદ્ય પદાર્થો વેચનાર સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.