જૂનાગઢ
તા.23.4.2020
નિવૃત તલાટીએ એક વર્ષનું પેન્શન આપ્યું, ગામ લોકોએ તેને
સવાયુ કરી વડાપ્રધાન કેર ફંડમાં જમા કરાવ્યું
જૂનાગઢ : સૌરાષ્ટ્રની ધરતીની આ જ તો તાસીર અને તસવીર છે. આફતને અવસરમાં પલટાવવા સાથે સેવાનો સાદ પડે ત્યારે શ્રમીક થી તવંગર સખાવત આપવામાં પાછા પડતા નથી. કેશોદ તાલુકાના બાલાગામનાં ૯૧ વર્ષના નટવરસિંહજી ચૌહાણ નિવૃત તલાટી છે. તેમણે પોતાનું એક વર્ષનું પેન્શન રૂ.૨,૪૭,૨૦૦ પી.એમ.કેર ફંડમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી.
૩૨ વર્ષ પહેલાં પોરબંદર સીટી તલાટી તરીકે નિવૃત્ત થયેલા નટવરસિંહજી બાપુની વાત ગામ લોકોએ વધાવી લીધી. બાલાગામના લોકોએ પણ આ ફંડને સવાયુ કર્યું. ગામના વેપારી કાનજીભાઈ એ ૨૫૦૦૦ આપ્યા,લાખાભાઈ એ ૭૦૦૧ રૂપિયા,દેવરખીભાઇ અને કરશનભાઈએ પાંચ પાંચ હજાર આપ્યા. નાના-મોટા સૌ ગ્રામજનોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી ભેગી કરી ૨,૪૭,૨૦૦ નો આંકડો સવાયો કરી કુલ રૂ. ૩.૧૧ લાખનો ચેક પીએમ કેર ફંડમાં અર્પણ કર્યો.
નટવરસિંહજી બાલાગામના સરપંચ સુખદેવસિંહ ચૌહાણના પિતા છે. સરપંચે કહ્યું કે, રૂ.૩.૧૧ લાખ આપી ગ્રામજનોએ સંતોષ નથી માન્યો. હજુ પણ ગ્રામજનોએ સખાવતની સરવાણી ચાલુ રાખી છે. હજુ તેમાં ઉમેરો થશે. નિવૃત્ત તલાટી પિતા, સરપંચ અને ગ્રામજનોની આ રાષ્ટ્રીય ભાવનાને સલામ.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ