ખાસ લેખ – માહિતી કચેરી અમરેલી
તા: ૨૯ એપ્રિલ ૨૦૨૦
*સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીના લોકોની પ્રાથમિક જરૂરિયાતોની અમરેલી વહીવટી તંત્ર દ્વારા ખાસ દરકાર*
*રહેવા-જમવાથી લઈને બાળકોને રમવા માટેની પણ વ્યવસ્થા*
આલેખન: સુમિત ગોહિલ, રાધિકા વ્યાસ
દરેક માનવીની અમુક પ્રાથમિક જરૂરિયાતો હોય છે. જેને સંતોષવા માટે જ માણસ કામધંધો કે નોકરી કરે છે અને બે પૈસા કમાઈ છે. આ પ્રાથમિક જરૂરિયાત કંઈ? રોટી, કપડાં, ઔર મકાન. જમવા માટે સારું ભોજન મળે, પહેરવા સારા કપડાં અને રહેવા માટે સારું ઘર બસ આ માટે જ માનવી ખૂબ મહેનત કરે છે.
કોરોના વાઇરસનાં સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનાં પગલે દરેક જિલ્લામાં વસતા પરપ્રાંતિય મજૂરો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે આશ્રયઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ પાંચ સ્થળે આ પ્રકારની રાહત શિબિર બનાવવામાં આવી છે. જેમાં આજદિન સુધીમાં ૧૮૯૦ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.
સાચા અર્થમાં કહીયે તો આ આશ્રયઘરમાં માનવીની પ્રાથમિક જરૂરિયાતોને ખૂબ જ સારી રીતે સંતોષવામાં આવી રહી છે. આ આશ્રય ગૃહમાં વહિવટી તંત્ર દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે લોકોને રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત અહીં રહેતા લોકોના મનોરંજન માટે ટેલિવિઝનની વ્યવસ્થાની સાથોસાથ સમયાંતરે તેમના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે.
આ સિવાય જિલ્લા મથક ખાતે ડિસ્ટ્રિક્ટ કોરેન્ટાઇન ફેસેલીટીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં હાલ ૧૧૭ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. અહીં પણ રહેવા-જમવાની ખુબ જ સુંદર સુવિધા કરવામાં આવી છે. ઉપરાંત ઉમરલાયક વ્યક્તિ માટે અલગ, નાના બાળકો સાથેના પરિવારો માટે અલગ તેમજ વિદ્યાર્થીઓ માટે અલગ રીતે રહેવાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તૈયારીઓ માટે પુસ્તકો પણ આપવામાં આવ્યા છે.
કોરેન્ટાઇન થયેલા ૪૫ વર્ષીય મહિલા જણાવે છે કે, અહીં દરરોજ ૩ ટાઈમ શુધ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. રહેવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. ઉપરાંત બાળકોને રમવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈને કંઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે વહિવટી તંત્ર સતત કાર્યરત છે. તે બદલ સરકાર તેમજ દરેક કર્મચારીનો આભાર.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756