Uncategorized

સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં

સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા, તા: ૨૯ ઓગસ્ટ ૨૦૨૦

આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે જે રીતે ફસલ વીમા યોજનામાં કંપનીઓ ટેન્ડર ભરી ખેડૂતો પાસેથી પ્રીમિયમ વસુલતી અને અંતે ખેડૂતોને પાક વીમામાં સંતોષ ન થતો જ હતો એટલે હવે ખેડૂતને એકપણ રૂપિયાનું પ્રીમિયમ નહીં ભરાવવા રાજ્ય સરકારે નીર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે ખેડૂતોને વરસાદની અનિયમિતતા કે અનાવૃષ્ટિ/ અતિવૃષ્ટિના કારણે વ્યાપક નુકસાન થાય છે જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતમિત્રોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિઓને લીધે થયેલ નુકસાન ધ્યાનમાં રાખી સહાય કે અન્ય લાભો આ યોજનાની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર થાય છે.

સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની નેમ લીધી છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં ઘણાં પ્રયત્નો થઈ રહ્યાં છે. ભારતના અર્થતંત્રને ગામડાના ખેડૂત સાથે સીધો સંબંધ છે. જો ગામડાનો ખેડૂત મજબૂત બનશે તો જ આ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. અમરેલી જિલ્લામાં થયેલા

વરસાદને લીધે થયેલા વ્યાપક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતા સાંસદ શ્રી એ જણાવ્યું હતું કે આ વર્ષે આપણા અમરેલી જિલ્લામાં સારો વરસાદ થયો છે જેનાથી પાણીના તળ સાજા થયા છે પરંતુ કેટલાય વિસ્તારોમાં ખેત પેદાશોને વ્યાપક નુકસાન પણ થવા પામ્યું છે ત્યારે સરકાર ખેડૂતને સાથે છે. વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેતીવાડી ક્ષેત્રે અમરેલી જિલ્લામાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ – જીવામૃત બનાવવા કીટ માટે સહાય, કિસાન પરિવહન યોજના અંતર્ગત ભારવાહક સાધનોમાં સહાય, સ્માર્ટ હેન્ડ ટુલ્સ માટે સહાય, પાક સંગ્રહ માટેની સહાય, ટપક/ફુવારા પિયત પદ્ધતિ અપનાવી ભૂગર્ભ ટાંકા માટેની સહાય તથા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે શેડ/ છત્રીની સહાય જેવી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ તમામ યોજનાઓનો લાભ લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ તકે દિપકભાઈ માલાણી, કમલેશભાઈ કાનાણી, રવુભાઈ ખુમાણ, મનજીભાઈ તળાવીયા તથા ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો હાજર રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઇસ્યુ કરેલી ગાઇડલાઇન્સ મુજબ માસ્ક, સેનિટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200829-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *