*૨૫ ઓગસ્ટના વિવિધ ડિજિટલ માધ્યમોથી કિશોરીઓને યોગ વિશે માર્ગદર્શન અપાશે*
અમરેલી, તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૦
સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ (SAG) યોજના ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે, આ ઉપરાંત ગુજરાત સરકારશ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે ૧૦૦% રાજ્ય પુરસ્કૃત પુર્ણા (Prevention of Undernutrition and Reduction of Nutritional Anemia among Adolescent girls) યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ના જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને સાથે-સાથે આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આગામી તા. ૨૫ ઓગસ્ટ મંગળવારના રોજ બપોરે ૨.૦૦ થી ૩.૦૦ કલાક દરમ્યાન સેટકોમ કાર્યક્રમના માધ્યમથી આઈ. સી. ડી. એસ. ની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપી “કિશોરીઓ માટે યોગનું મહત્વ અને વેસ્ટમાંથી બેસ્ટ” વિષયો પર ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને માહિતગાર કરવામાં આવશે.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ટેલિવિઝનમાં ‘વંદે ગુજરાત ચેનલ-૧’ પર, મોબાઇલમાં જિઓ એપ્લિકેશન મારફતે ‘વંદે ગુજરાત ચેનલ-૧’ પર તથા WCD GUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. આ કાર્યક્રમ અમરેલી જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ નિહાળે તેમજ પોષણ અંગેનું સાચું માર્ગદર્શન મેળવે તેવું જિલ્લા પ્રોગ્રામ ઑફિસરશ્રી આઈ. સી. ડી. એસ. શાખા અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)