કલોલ હાઈવે પર સોમવારે સવારે ફૂલ સ્પીડમાં જતી એક કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકો મદદ માટે આવે તે પહેલાં જ કારચાલક બહાર નીકળીને ભાગી ગયો હતો. કાર પાસે પહોંચેલા લોકોએ જોતા અંદર પશુઓનું માંસ ભરેલું હતું.
અકસ્માતમાં ગાયના પગ જેવું અંગ બહાર પડતાં કારમાં ગાયનું માંસ હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી. ઘટનાને અંગે જાણ કરતાં કલોલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં અંદર માંસ ભરેલા 6 કોથળા મળી આવ્યા હતા. કાર ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી પોલીસ દ્વારા ક્રેનથી ખેંચીને કાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. પોલીસે સમગ્ર મુદ્દે માસની તપાસ અર્થે એફએસએલને જાણ કરતા તેના અધિકારીઓ આવી ગયા હતા અને સેમ્પલ લીધા હતા.
પોલીસે કારના નંબરના આધારે ચાલકની શોધખોળ આદરી છે. કાર મહેસાણાથી અમદાવાદ તરફ જતી હતી. જેમાં બે લોકો સવાર હતા અને અકસ્માત બાદ ઉતરીને ભાગી ગયા હતા. ત્યારે ભાગેલા શખ્સો પકડાયા બાદ જ તેઓથી માંસનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યાં હતા તે સામે આવે તેમ છે.


