મીડીયાકર્મીઓને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપીએ : કાનાભાઈ બાંટવા
ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે પ્રેસ ડે નિમિતે વેબિનાર યોજાયો
જૂનાગઢ : કોવિડ-૧૯ મહામારીમાં મીડિયાએ લોકજાગૃતીની ઝુંબેશ ફેલાવી સામાજીક દાયિત્વ અદા કર્યું છે. ત્યારે મીડીયા કર્મીઓને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપીએ એ જરૂરી છે. એમ પ્રેસ ડે નિમિત્તે યોજાયેલ વેબીનારમાં મુખ્ય વક્તા શ્રી કાનાભાઇ બાંટવાએ જણાવ્યું હતું.
તા.૧૬ નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે કોવિડ-૧૯ મહામારી દરમિયાન મીડિયાની ભુમિકા અને તેની અસરો પર વેબિનાર યોજાયો હતો.
આ પ્રસંગે વેબીનારના મુખ્ય વક્તા વરિષ્ઠ પત્રકાર અને આજકાલના ગૃપ એડિટર શ્રી કાનાભાઇએ કહયુ કે, કોરોના મહામારીમાં પહેલી વખત એવું બન્યું છે કે, આખુ વિશ્વ કોઇ એક દુશ્મન સામે લડી રહ્યું છે. આવા સંકટના સમયે સમુહ માધ્યમોએ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા ઉપરાંત લોકો ગભરાઇ નહીં , અફવાઓ થી ગેરમાર્ગે દોરાઈ નહિ એ દરેક બાબતની તકેદારી રાખીને મીડીયાએ તેની ભૂમિકા બખુબી નિભાવી છે. ત્યારે મીડીયા કર્મીઓ કોરોના વોરિયર્સ સન્માનના હકદાર છે.કોવિડ-૧૯ અન્વયે મીડીયાની કામગીરીની પોઝીટીવ અસર અંગે જણાવ્યું હતું કે, આ કપરી કટોકટીમાં સમુહ માધ્યમોની અસરકારકતા અને લોકોની વિશ્વનીયતા વધુ એકવાર સુદ્રઢ થઇ છે.
આ તકે કાનાભાઇએ કોવિડ-૧૯ મહામારીમાં માહિતી ખાતા દ્વારા થયેલ કામગીરીની સરાહના કરી ઉમેર્યુ કે, માહિતી ખાતા દ્વારા તૈયાર થયેલ પોઝીટીવ સ્ટોરીએ કોરોના મહામારીમાં નિરાશ, હતાશ લોકોને ઉત્સાહિત કરવાનું અને સકારાત્મક વાતાવરણ ઉભુ કર્યુ છે.વધુમાં કોવિડ-૧૯ અન્વયે મીડીયા હાઉસ પર થયેલી અસરોની છણાવટ પણ કરી હતી.
વેબિનારના પ્રારંભે નાયબ માહિતી નિયામક અર્જૂનભાઇ પરમારે કાર્યક્રમની રૂપરેખા આપી જણાવ્યુ કે, કોરોના મહમારીમાં મીડિયાકર્મીઓએ સરાયનિય યોગદાન આપવા સાથે જનહિતની દરેક બાબતોને ઉજાગર કરી હતી. વેબીનારમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઇ જોષીએ સોરઠની પરંપરા મુજબ દુહાઓ રજુ કરી આગવી ઢબે સૌનું સ્વાગત કર્યુ હતુ. માહિતી મદદનીશ ક્રિષ્ના સીસોદીયાએ વેબિનારના પ્રારંભે સ્વાગત પ્રવચન કર્યુ હતુ.
વેબીનારમાં જૂનાગઢ જિલ્લાના મીડિયા કર્મીઓ, જૂનાગઢ માહિતી કચેરી અને સૌરાષ્ટ્ર-કચ્છ રીઝિયનના અધિકારીઓ તેમજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના સોશ્યોલોજી વિભાગના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
