બાબરા
તા.૨૨/૦૪/૨૦૨૦
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરે ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા.
(પેટ્રોલ ડીઝલ નાં ભાવ ઘટાડવા માટે માગણી કરવામાં આવી)
ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં ઘટાડો કરવાની માંગણી કરતાં, મોદી સરકારની નફાખોર વૃતિ ઉપર વધુ એક પ્રહાર કરતા આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં છેલ્લા દોઢેક મહિનાથી ઐતિહાસિક ધોરણે સતત ઘટાડો થઈ રહ્યો છે છતાં દેશમાં હજુ આજે પણ પેટ્રોલ પ્રતિ લીટર ૬૯ રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટર ૬૨ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે દેશનું અર્થતંત્ર સંપુર્ણપણે ખોરવાઇ ગયું છે ત્યારે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડાનો લાભ દેશની સવા સો કરોડ જનતાને મળવો જોઇએ તે મળતો નથી તે દુર્ભાગ્યપુર્ણ બાબત છે. આ પરિસ્થિતિ માટે મોદી સરકારની નફાખોર વૃતિ જવાબદાર છે તેમ ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.
ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમીત શાહે આ કપરા સંજોગોમાં રાજકીય પ્રપંચો રચીને રાજયો સાથે ઘર્ષણમાં ઉતરવાના બદલે દેશના અર્થતંત્રને કઈ રીતે બેઠુ કરવું તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સાથોસાથ આ બંને મહાનુભાવોએ પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં ચિંતાજનક હદે ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે તેને ગંભીરતાપુર્વક ધ્યાન ઉપર લઈ ગુજરાતને કોરોના મહામારીથી બચાવવા કેન્દ્ર સરકારની તમામ શક્તિઓને કામે લગાડવાની જરૂર છે તેમ સૌ કોઇ કહી રહ્યા છે.
ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્યું કે, મોદી સરકારે છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર એકસાઇઝ ડ્યુટીમાં વધારો કરીને લાખ્ખો કરોડો રૂપિયાની કમાણી કરી છે પરંતુ હાલ સમગ્ર દેશ ગંભીર આર્થિક સંકટમાં સપડાઇ ચુક્યો છે ત્યારે વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવમાં ઐતિહાસિક ઘટાડાનો લાભ શા માટે દેશની સવા સો કરોડ જનતાને આપવામાં આવતો નથી તે સમજાતુ નથી. કેન્દ્ર સરકારે મુશ્કેલભર્યા આ સમયમાં દેશની સવા સો કરોડ જનતાને પેટ્રોલ – ડીઝલના ભાવોમાં ઘટાડો કરીને રાહત પુરી પાડવા અનુરોધ કરૂં છું.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા