ધારી ગીર ફોરેસ્ટ રેન્જના સિંહોમાં કોઈ રોગચાળો ફેલાયો નથી : વન વિભાગની સ્પષ્ટતા
વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં
અમરેલી, ૨૯ એપ્રિલ
તાજેતરમાં ગીર વનવિભાગ ધારી હેઠળ આવેલા તુલસીશ્યામ, જસાધાર, હડાળા અને સાવરકુંડલા રેન્જમાં મોટી સંખ્યામાં ભેદી રોગ અને સી.ડી.વી.થી સિંહો મરવાના આધાર વગરના સમાચારો પ્રસિદ્ધ થયા હતા. પરંતુ હાલ ગીર વનવિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવેલ સિંહોમાં સી.ડી.વી. એટલે કે કેનાઇલ ડિસ્ટેમ્પર વાઇરસ કે અન્ય કોઈપણ પ્રકારનો રોગચાળો ફેલાયેલો હોય તેવું જણાતું નથી. હડાળા રેન્જમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન બે સિંહના મૃત્યુ નોંધાયેલા છે. તેમજ છેલ્લું મૃત્યુતારીખ ૭ માર્ચ ૨૦૨૦ના નોંધાયેલું છે. સાવરકુંડલા રેન્જમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન બે સિંહના મૃત્યુ નોંધાયેલા છે. જ્યારે તુલશીશ્યામ રેંજમાં છેલ્લા બે માસ દરમિયાન સાત સિંહોના મૃત્યુ થયાનું નોંધાયું છે. તેમજ જસાધાર રેન્જમાં છેલ્લા બે માસ દરમિયાન આઠ સિંહના મૃત્યુ થયાનું નોંધાયુ છે તેમાં છેલ્લું મૃત્યુ તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ થયેલું છે.
સિંહોના મૃત્યુ ન થાય તે માટે વનવિભાગ સતત ચિંતિત છે. અને સિંહોના મૃત્યુ ને રોકવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એક કે બીજા કારણોસર સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર કે અન્ય રેસ્ક્યુ સેન્ટરો ઉપર પણ લઈ જવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અગાઉ દલખાણીયા રેંજના કાર્યક્ષેત્રમાં ૨૦૧૮ના વર્ષમાં સિંહના મૃત્યુ ના બનાવો નોંધાયેલા ત્યારે કોઈ કમિટીની રચના કરવામાં આવી હતી. જેથી આવી કમિટીની મીટિંગ મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
હાલમાં જે સિંહોને રેસ્ક્યુ કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખ્યા છે, તે તમામ સિંહો તબીબી અધિકારીની સીધી દેખરેખ હેઠળ છે. અને તબીબી પરીક્ષણ કરી તેઓને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે, તેમ નાયબ વન સંરક્ષણ અધીકારીશ્રી ગીર વનવિભાગ ધારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756