નવી દિલ્હી
ફરાર કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સેલે એક નોટરીકૃત સોગંદનામામાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રભાકરના કહેવા પ્રમાણે તેને પંચનામાનું પેપર બતાવીને ખાલી કાગળ પર બળજબરીથી સાઈન કરાવાઈ હતી. તેને આ ધરપકડ વિશે નહોતી ખબર. પ્રભાકરે એક સોગંદનામુ તૈયાર કર્યું હતું જેમાં તેણે દાવો કર્યો હતો કે, તે ક્રૂઝ રેડ બાદ જે ડ્રામા થયો તેનો સાક્ષી છે. પ્રભાકરે કરેલા દાવા પ્રમાણે તે કિરણ ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. એક નોટરીકૃત સોગંદનામામાં તેણે એવો દાવો કર્યો છે કે, ક્રૂઝ રેડની રાતે તે ગોસાવીની સાથે હતો. પ્રભાકરે કરેલા દાવા પ્રમાણે તેણે ગોસાવીને સૈમ નામના એક શખ્સને એનસીબી કાર્યાલય પાસે મળતા જાેયો હતો. પ્રભાકરના કહેવા પ્રમાણે જ્યારથી ગોસાવી રહસ્યમય રીતે ગાયબ છે ત્યારથી તેને સમીર વાનખેડેથી પોતાના જીવનું જાેખમ છે. પ્રભાકરે દરોડા સમયના કેટલીક વીડિયો બનાવ્યા છે અને તસવીરો ખેંચી છે. એક વીડિયોમાં તે ગોસાવીનો ફોન પકડેલો દેખાય છે. તેનો ફોન સ્પીકર પર છે અને તે આર્યનની કોઈ સાથે વાત કરાવી રહ્યો છે. આ આરોપો બાદ કેટલાક સવાલો થઈ રહ્યા છે. જેમ કે, સૈમ કોણ છે? એનસીબીના કહેવા પ્રમાણે ગોસાવી એક સ્વતંત્ર પંચ છે તો સ્વતંત્ર પંચને દરોડા અને ધરપકડમાં કઈ રીતે જવા મળ્યું? ગોસાવીના ફોનમાં આર્યન ખાને કોના સાથે વાત કરી હતી? બંને વચ્ચે શું વાત થઈ હતી?અભિનેતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલો છે. આર્યનની જ્યુડિશીયલ કસ્ટડી લંબાયા બાદ તે આર્થર રોડ જેલમાં બંધ છે. તેના વકીલ તેને જામીન અપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બધા વચ્ચે આર્યન ખાનના કેસમાં એક નવો ટિ્વસ્ટ આવ્યો છે. આર્યન ખાનની ધરપકડ થઈ તે સમયે એક અજાણી વ્યક્તિએ તેના સાથે સેલ્ફી ખેંચી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવી તરીકે સામે આવી હતી અને ત્યાર બાદ તે ફરાર હતો. આ કિરણ ગોસાવીના બોડીગાર્ડે એક મહત્વનો ખુલાસો કર્યો છે.
