નવી દિલ્હી
ભારત અને રશિયાના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચેની બેઠકોના અંતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઇ હતી. રશિયાના વિદેશપ્રધાને ભારત સાથે એસ-૪૦૦ મિસાઇલ ડીલને લઈને અમેરિકા પર નિશાન સાધ્યું છે. રશિયાના વિદેશપ્રધાન લાવરોવે જણાવ્યું હતું કે આ ડીલનું પ્રતિકાત્મક મહત્ત્વ નથી. ભારતની સંરક્ષણ વ્યવસૃથા માટે આ ડીલ એક વ્યવહારિક પરિબળ છે. તેમણે જણાવ્યું હતું કે અમે જાેયું કે અમેરિકા તરફથી આ સહયોગને નબળો પાડવા માટે કેવા પ્રયાસ કરવામાં આવ્યા. અમેરિકા તરફથી તે પ્રયત્નો કરવામાં આવ્યા કે ભારત તેની જ વાતોને માને કે આ ક્ષેત્રમાં કઈ રીતે વિકાસ થવો જાેઈએ. તેમણે આ ડીલ અંગે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અમારા મિત્રએ અમેરિકાને મજબૂતાઈથી જવાબ આપ્યો કે તે સાર્વભૌમ રાષ્ટ્ર છે અને કોઈની શેહમાં આવીને ર્નિણય લેતું નથી. રશિયાના વિદેશપ્રધાને જણાવ્યું હતું કે અમારે કોની પાસેથી શસ્ત્રો ખરીદવા, કયા સેક્ટરમાં કે અન્ય મામલામાં કોને ભાગીદાર બનાવવા તેનો ર્નિણય અમે જાતે લઈએ છીએ. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે એકે ૨૦૩ રાઇફલોની પાંચ હજાર કરોડથી વધારે રકમની ડીલ થઈ. આ ડીલ હેઠળ અમેઠીમાં પાંચ લાખથી વધારે રાઇફલોનું ઉત્પાદન કરવામાં આવનાર છે. આ ઉપરાંત બીજી કેટલીક સમજૂતીઓ પર સહીસિક્કા થયા છે. આ ઉપરાંત રશિયા અને ભારત વચ્ચે ૨૦૨૧થી ૨૦૩૧ સુધી લશ્કરી સહયોગ અંગે પણ ડીલ થઈ છે. રશિયાએ ભારત સાથે થયેલી સમજૂતીમાં લશ્કરી ટેકનોલોજી આપવા અંગે સંમતિ આપી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારત પર રશિયા સાથે એસ-૪૦૦ ડીલ ન કરવા દબાણ કરતુ હતુ. પણ ચીનના જાેખમને જાેતાં ભારત માટે ડીલ જરૂરી હતું.કોરોના મહામારી અને યુક્રેન સાથે ઘર્ષણના કટોકટીના સમયમાં પણ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને સોમવારે ભારતનો કેટલાક કલાકનો દ્વિપક્ષીય પ્રવાસ કર્યો હતો. તેમના આ પ્રવાસમાં ભારતે ચાર સંરક્ષણ સોદાઓ પર કરાર કર્યા હતા. વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પછી રશિયન પ્રમુખ સોમવારે રાત્રે જ રશિયા પરત ફર્યા હતા. જાેકે, કોરોનાકાળના લગભગ બે વર્ષના સમયમાં પુતિને કોઈપણ દેશ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો નહોતો. એવામાં ભારતનો પ્રવાસ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો માટે સંકેત છે. ભારત સાથે સંરક્ષણ કરાર કરતી વખતે રશિયન સંરક્ષણ પ્રમુખ લાવરોવે જણાવ્યું હતું કે, અમેરિકાના અથાગ દબાણ છતાં ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો કરાર કરીને સાબિત કરી દીધું છે કે તે એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને દેશની સુરક્ષાના મુદ્દે તે કોઈની પણ શેહમાં આવે તેમ નથી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રશિયન પ્રમુખના ભારત પ્રવાસે બતાવી દીધું છે કે ભારત સાથેની તેની મિત્રતા સૌથી મહત્વની છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને એક ખૂબ જ મોટી શક્તિ, એક મિત્ર દેશ અને સમયની કસોટી પર સાથ આપનાર મિત્ર ગણાવ્યું છે. તેમણે વડાપ્રધાન મોદી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી તથા આતંકવાદ, કેફી પદાથોની હેરાફેરી અને સંગઠિત અપરાધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પુતિને અફઘાનિસ્તાનના ઘટનાક્રમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ઉભા થનાર કોઇ પડકારનો સામનો ભારત અને રશિયા સાથે મળીને કરશે. પુતિન આ બેઠકમાં ભાગ લેવા માટે ભારતની ટૂંકી યાત્રા પર આવ્યા હતાં. તેમની આ યાત્રા ૬ થી ૭ કલાકની જ હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન રશિયાના પ્રમુખની બીજી વિદેશ યાત્રા ભારત-રશિયા વચ્ચેના સંબધો અંગે તેમની વ્યકિતગત પ્રતિબદ્ધતા દર્શાવે છે. પુતિને જણાવ્યું હતું કે બંને દેશો વૈશ્વિક મુદ્દાઓ પર એકબીજાને સહકાર આપી રહ્યાં છે. અનેક મુદ્દાઓ પર બંને દેશો સમાન વલણ અને વિચારસરણી ધરાવે છે. રશિયાના પ્રમુખે જણાવ્યું હતું કે અમે આતંકવાદ સાથે જાેડાયેલ દેરક વસ્તુ અંગે ચિંતિત છીએ. તેમણે વેપાર, સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધી રહેલા સહકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. બંને દેશો વચ્ચેનું પરસ્પરનું રોકાણ ૩૮ અબજ ડોલરનું છે. તેમણે અંતે જણાવ્યું હતું કે તેઓ મિત્ર દેશભારતની યાત્રાથી ખૂબ જ ખુશ છે.


