નવી દિલ્હી,
મોટાભાગની વાટાઘાટો બંધ દરવાજે થઈ હતી પણ અફઘાનિસ્તાનમાં આકાર રહેલી પરિસ્થિતિ બાબતે આ જૂથ કોઈ મહત્વના નિષ્કર્ષ પર પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે. જાે કે જાહેરમાં સ્વીકારવામાં આવે છે તેના કરતા પણ અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ ગંભીર હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં તનાવ સતત વધી રહ્યો છે. સંવાદમાં ભાગ લેનારા દેશોએ સર્વાનુમતે ૨૦ વર્ષ નિષ્ફળ ગયા હોવાનું કબૂલ્યું છે. કેટલાક દેશોએ તાલિબાનને માન્યતા આપી હોવા છતાં હાલની સરકાર પર વિશ્વના દેશોમાં વિશ્વાસનો અભાવ છે. મોટાભાગના દેશોનો એવો મત છે કે તાલિબાને વૈશ્વિક માન્યતા મેળવવા અગાઉ આંતરીક સ્થિતિ મજબૂત કરવી પડશે. જાે કે આવું શાંતિથી બને તેવા અણસાર નથી. મુલ્લા બરાદરના દોહા જૂથ અને વધુ કટ્ટરવાદી હક્કાની જૂથ વચ્ચે સંઘર્ષ થવાના ભણકારા છે. પહેલું જૂથ અમેરિકા તરફી છે જ્યારે બીજુ જૂથ પાકિસ્તાન તરફી છે. એનએસએ દ્વારા સૌ પ્રથમ તો અફઘાનિસ્તાનમાંથી આવતા નિરાશ્રીતો વિશે ચિંતા વ્યક્ત કરાઈ છે. એનાથી તાલિબાનની વિચારધારા તેમજ અમેરિકાએ પાછા વળતી વખતે છોડી દીધેલા શસ્ત્રો પણ અન્ય દેશોમાં ફેલાઈ શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.પાકિસ્તાનનું આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઈએસકેપીથી અલગ એવા નાના જેહાદી જૂથોને એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નવા જેહાદીઓ તાલિબાનથી પણ વધુ કટ્ટરવાદી હોવાનું માનવામાં આવે છે અને તે તાલિબાનના વિરોધી છે. વિદેશ નીતિના એક નવા અહેવાલ અનુસાર ઈસ્લામિક ઈન્વિટેશન એલાયન્સ (આઈઆઈએ)ને પાકિસ્તાનના આઈએસઆઈ દ્વારા ફંડિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની રચના ૨૦૨૦માં કરવામાં આવી હતી અને તે એક વર્ષથી અમેરિકી ઈન્ટેલીજન્સના રેડાર પર રહ્યું છે. જાે કે એ સમયે તેનો હેતુ તાલિબાનનો વિજય નિશ્ચિત કરવાનો હતો. પણ હવે આ એલાયન્સનો ઉપયોગ તાલિબાનનું કદ વેતરવા માટે થઈ રહ્યો છે. એનએસએની બેઠકમાં આ સપ્તાહે દિલ્હીમાં હાજર રહેલા રાષ્ટ્રીય અગ્રણીઓના જૂથે કરેલા આંકલન મુજબ આગામી સપ્તાહોમાં તાલિબાનમાં ચાલી રહેલા આંતરીક લડાઈ હવે પરાકાષ્ઠાએ પહોંચશે.