નવી દિલ્હી
આયરલેન્ડની સુકાની લૉરા ડેલાનીએ ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રોણીમાં તેની ટીમે ૩-૧થી મેળવેલા વિજયમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૬૩ રનની સરેરાશથી ૧૮૯ રન બનાવ્યા હતા અને તેણે ૨૭ની સરેરાશથી ચાર વિકેટ પણ હાંસલ કરી હતી.પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી અને આયરલેન્ડ વિમેન્સ ટીમની ઓલરાઉન્ડર લૉરા ડેલાનીને ઓક્ટોબર મહિના માટે આઇસીસીના અનુક્રમે બેસ્ટ મેન્સ તથા વિમેન્સ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આસિફે બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને નામિબિયાના ડેવિડ વાઇસેને પાછળ રાખીને મેન્સ કેટેગરીનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. વિમેન્સમાં લૉરા ડેલાનીએ પોતાની જ સાથી ખેલાડી ગેબી લુઇસ અને ઝિમ્બાબ્વેની મેરી આન મુસોન્ડાને પાછળ રાખી દીધી હતી. આસિફે અફઘાનિસ્તાન સામેની મેચમાં છેલ્લી બે ઓવરમાં પાકિસ્તાનને ૨૪ રનની જરૂર હતી ત્યારે ૧૯મી ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને ટીમને વિજય અપાવી દીધો હતો. આઇસીસી વોટિંગ એકેડેમીના સભ્ય ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે પરાજયના દ્વારે પહોંચ્યા બાદ ટીમને વિજય અપાવનાર આસિફ એવોર્ડ માટેનો હકદાર છે.
