નવી દિલ્હી,
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદના ભેખધારી હતા. ઝારખંડ સ્થાપના દિને અમિત શાહે રાજ્યના લોકોને અભિનંદન આપ્યા હતા. સ્વધર્મનું રક્ષણ કરવું અને સ્વદેશી પહેરવાનો તેમનો આગ્રહ અવિસ્મરણીય હતો. અવિભાજીત બિહારમાં ૧૮૭૫માં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે અને વટાળ પ્રવૃત્તિ સામે આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ અને ૧.૯૦૦માં તેમનું જેલમાં અવસાન થયું હતું. વડાપ્રધાનમોદીએ આદિવાસીઓના કલ્યાણની અવગણના કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉના શાસનમાં પછાત રહી ગયેલા વિસ્તારોના વિકાસની ઝુંબેશ તેમની સરકારે શરૂ કરી છે. તે અગાઉની સરકારે આદિવાસીઓને તેમની મૂળભૂત સગવડોથી પણ વંચિત રાખ્યા હતા. કેન્દ્ર સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની ૧૫મી નવેમ્બરની જન્મજયંતિની ઉજવણી જનજાતીય ગૌરવ દિવસ તરીકે કરી રહ્યુ છે.આંબેડકર જયંતિ, ગાંધી જયંતિની જેમ બિરસા મુંડા જયંતિની દર વર્ષે ઉજવણી કરવામાં આવશે. કોંગ્રેસના શાસનમાં પછાત રહી ગયેલા ૧૦૦ જિલ્લાઓમાં વિકાસ થઈ રહ્યો છે. મોદીએ જણાવ્યું હતું કે આદિવાસીઓની કલા અને સંસ્કૃતિ તથા સ્વતંત્રતા સંગ્રામમાં તેમના પ્રદાનને અગાઉ યોગ્ય સ્થાન અપાયું ન હતું અને આ સ્થાન હવે તેમની સરકાર આપી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી હવે તે યોગદાનને ગૌરવપૂર્વક યાદ કરવામાં આવી રહ્યું છે. મોદીએ પ્રથમ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરતા જણાવ્યું હતું કે ગૌંડ ક્વીન દુર્ગાવતી કે રાણી કમલાપતિના બલિદાનને કેમ ભૂલાય. ભીલો રાણાપ્રતાપ સાથે ખભેખભા મિલાવીને લડયા હતા અને તેમણે બલિદાન આપ્યા હતા તે કેમ ભૂલાય. અગાઉના શાસનોએ આદિવાસી આગેવાનો અને તેમના પ્રદાનને અવગણીને તેમને મોટો અન્યાય કર્યો છે. દેશમાં આદિવાસીઓના પ્રદાન અંગે અત્યાર સુધી બહુ જ ઓછી માહિતી આપવામાં આવી છે. મોદીએ બિરસા મુંડાની જન્મજયંતિએ ઝારખંડના રહેવાસીઓનું સન્માન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે ઝારખંડ ઐતિહાસિક ઓળખ ધરાવે છે અને તે મહાન સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જન્મભૂમિ છે. મુંડા હંમેશા આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે લડયા હતા અને તેમણે સ્વતંત્રતા સંઘર્ષમાં પણ ભાગ લીધો હતો. દેશની સ્વતંત્રતામાં તેમણે અવિસ્મરણીય પ્રદાન આપ્યું છે.