નવી દિલ્હી
રેલવે બોર્ડે આ વર્ષે ઉત્તર રેલવેને ૩૭૦ કરોડ રૂપિયાના ભંગારના વેચાણનું લક્ષ્ય આપ્યું છે. હકીકતે રેલવે લાઈનની પાસે રેલવે પાટાના ટુકડા જેવા ભંગારના કારણે દુર્ઘટનાની આશંકા રહે છે. તેને ધ્યાનમાં રાખીને ભંગારને દૂર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. ઉત્તર રેલવે શૂન્ય ભંગારનો દરજ્જાે મેળવવા પ્રયત્નશીલ છે. રેલવેના પાટાની કિનારીઓ અને રેલવે પરિસરોમાં પડેલો ભંગાર વેચીને રેલવે આવક ઉભી કરી રહ્યું છે. આ મામલે ઉત્તર રેલવે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તર રેલવેએ અત્યાર સુધીમાં ભંગાર વેચીને ૨૨૭.૭૧ કરોડ રૂપિયા ભેગા કર્યા છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. સ્ક્રેપ વેચાણના મામલે ઉત્તર રેલવે હવે ભારતીય રેલવે અને સાર્વજનિક ઉપક્રમોમાં ટોચ પર છે. રેલવે લાઈનની નજીકના રેલવેના પાટાના ટુકડા, સ્લીપરો, ટાઈબાર જેવા ભંગાર એટલે કે સ્ક્રેપના કારણે સુરક્ષા સંબંધી જાેખમની સંભાવના રહે છે. જ્યારે પાણીની ટાંકીઓ, કેબિનો, ક્વાર્ટરોના દુરૂપયોગની સંભાવના રહે છે. આ કારણે રેલવે નકામા પડેલા ભંગારને વેચીને કમાણી કરે છે. ઉત્તર રેલવે મોટી સંખ્યામાં જમા કરવામાં આવેલા સ્ક્રેપ પીએસસી સ્લીપરનો નિકાલ કરી રહ્યું છે જેથી રેલવે ભૂમિને અન્ય ગતિવિધિઓ અને આવક માટે ઉપયોગમાં લઈ શકાય. ઉત્તર રેલવેના મહાપ્રબંધક આશુતોષ ગંગલે જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ભંગાર વેચીને ૧૪૬ ટકા વધારે આવક મેળવવામાં આવી છે. ગત વર્ષે આ સમયગાળામાં માત્ર ૯૨.૪૯ કરોડ રૂપિયાની આવક મળી હતી જ્યારે આ વર્ષે તે વધીને ૨૨૭.૭૧ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે અન્ય ક્ષેત્રીય રેલવે કરતા વધારે છે.