દિલ્હી
ગાધીનગર ખાતે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા વિભાગ હસ્તકની કંપનીની ઊર્જા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમા તેમણે કહ્યું કે, વાવાઝોડાનાં કારણે જે અસરગ્રસ્ત વિસ્તારોમાં થાંભલા પડી ગયા હોય, ટ્રાન્સફોર્મર બંધ થયા હોય તે તમામનું સત્વરે મરામત કરીને પરિસ્થિતિ પૂર્વવત કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.ઊર્જા વિભાગની કામગીરીની માહિતી મેળવી તથા પ્રજાના પ્રશ્નો અને રજૂઆતોને તાત્કાલીક હલ કરી આ અંગેની કામગીરીનો અહેવાલ કરવા સુચના આપીને તેમની કચેરી દ્વારા ફોરવર્ડ થતી ફરીયાદોનો નિકાલ સમયમર્યાદામાં કરી કચેરીને જાણ કરવા, ચારેય વીજ કંપનીઓએ ફરીયાદો મોકલવા અંગે નોડલ અધિકારી નિયુક્તિ કરી આ અધિકારીઓને ફરીયાદોનું ફોલોઅપ કરીને નિકાલ કરવા સૂચના આપી હતી. તેમજ ખેડૂતોને ખેતી માટે અપાતા વીજ કનેક્શનો સત્વરે મળી રહે એ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. આ ઉપરાંત દરેક કંપનીએ ગ્રાહકલક્ષી અભિગમ રાખી ગ્રાહકોની ફરીયાદોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે વ્યવસ્થા ગોઠવી મોનીટરીંગ કરવાનું રહેશે અને દરેક કંપનીનાં કોઇ નીતિ વિષયક બાબત સરકારમાં પડતર હોય તો તે ધ્યાને લાવવા પણ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઊર્જા વિભાગના અગ્રસચિવ, અધિકારીઓ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ તથા તમામ વિભાગ હસ્તકની કંપનીઓના? અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઊર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યુ છે કે રાજ્યના પ્રજાજનોને ગુણવત્તાયુકત સતત વીજપુરવઠો વધુને વધુ સારી રીતે સમયસર ઉપલબ્ધ કરાવવા માટે ઊર્જા વિભાગની કામગીરીને વધુ સંગીન બનાવીને ઊર્જા ના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા સંનિષ્ઠ પ્રયાસો કરાશે અને ખેડૂતોને પૂરા પાડવામાં આવતા વીજ કનેક્શનો તાત્કાલિક મળે તે માટે કાર્યવાહી હાથ ધરાશે.