નવી દિલ્હી
ઓડિશા પોલીસ ભરતી બોર્ડે જૂન મહિનામાં ટ્રાન્સજેન્ડર્સને સબ ઈન્સ્પેક્ટરના પદ માટે આવેદન કરવાની અનુમતિ આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, ૪૭૭ ખાલી પદો માટે ૨૬ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ ઓનલાઈન અરજી જમા કરાવી. ઓડિશા સરકાર રાજ્યમાં નોડલ વિભાગના તમામ કાર્યાલયોમાં ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર પ્રદાન કરતી નીતિ લાવ્યું છે. સામાજીક સુરક્ષા અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારક્ષેત્ર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં આવી ફરિયાદોના પ્રાપ્તિ તારીખના ૧૫ દિવસની અંદર નિવારણ માટે એક ફરિયાદ અધિકારી તરીકે એક અધિકારીના પદનામને નિર્ધારિત કરવામાં આવ્યું છે. નોડલ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, વિભાગ પ્રમુખ ફરિયાદ અધિકારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા તપાસ રિપોર્ટ પર ૧૫ દિવસની અંદર કાર્યવાહી કરશે. નીતિને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ અને અધિનિયમ અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો પ્રમાણે સૂચિત કરવામાં આવી હતી. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, સરકાર પોતાના તમામ કાર્યાલયોમાં લિંગ, જાતીય અભિગમ, રંગ, વિકલાંગતા, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા, વંશ અને ધર્મને સાઈડમાં રાખીને બધાને સમાન રોજગારના અવસર પ્રદાન કરશે. નવી નીતિ એ પણ સુનિશ્ચિત કરશે કે, કામનો માહોલ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વિરૂદ્ધના કોઈ પણ ભેદભાવથી મુક્ત હોય. સાથે જ કહેવામાં આવ્યું છે કે, સેવા નિયમોમાં નિર્ધારિત આચારસંહિતા અંતર્ગત આ નીતિનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાન્સજેન્ડર લોકો માટે એક અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા, એસએસઈપીડી વિભાગ તે સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમ અને પ્રક્રિયાઓનું નિર્માણ કરશે કે તેમના સાથે કોઈ પણ સ્થિતિ, પ્રશિક્ષણ, પદોન્નતિ અને સ્થાનાંતરણ, પોસ્ટિંગ સ્તરના મામલાઓમાં ભેદભાવ ન કરવામાં આવે.