નવી દિલ્હી
ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન (ડીજીસીએ)ને લખેલા પત્રમાં સીએએના કાર્યકારી મંત્રી અલહજ હમીદ્દુલ્લાહ અખુંદજાદાએ લખ્યું છે કે તમે જાણો છો કે તાજેતરમાં કાબુલ એરપોર્ટને અમેરિકન દળોએ વિદાય પહેલાં ઘણું નુકસાન પહોંચાડયું હતું. કતારની ટેકનિકલ સહાયથી એરપોર્ટ ફરી એક વખત કાયાર્ન્વિત થઈ ગયું છે. હવે બંને દેશો વચ્ચેના સમજૂતી કરારના આધારે પ્રવાસીઓના સરળ આવાગમન માટે વ્યાવસાયિક ફ્લાઈટ્સ શરૂ થવી જાેઈએ. અમારી નેશનલ કેરિયર અરિઆના અફઘાન એરલાઈન અને કામ એરને ભારતના ડીજીસીએએ શેડયુલ્ડ ફ્લાઈટ્ શરૂ કરવાની મંજૂરી આપવી જાેઈએ.તાલિબાનોના નિયંત્રણ હેઠળ અફઘાનિસ્તાન નાગરિક ઉડ્ડયન ઓથોરિટી ભારતને બંને દેશો વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. જાેકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે તાલિબાનોની આ વિનંતી ફગાવી દીધી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લી કોમર્શિયલ ફ્લાઈટ ૧૫મી ઑગસ્ટે ઉડી હતી. તાલિબાનોએ કાબુલ કબજે કર્યું તે દિવસે એર ઈન્ડિયાની ફ્લાઈટ કાબુલથી દિલ્હી આવી હતી. ત્યાર પછી ૧૬મી ઑગસ્ટે અફઘાનિસ્તાનની નાગરિક ઉડ્ડયન ઓથોરિટી (સીએએ)એ અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રને અનિયંત્રિત જાહેર કર્યું હતું.