નવી દિલ્હી
ષડયંત્ર અંતર્ગત આર્યન ખાનને કિડનેપ કરવામાં આવ્યો હતો. સમીર વાનખેડેએ ભાજપના નેતા સાથે મળીને ખંડણી માટે આ ષડયંત્ર રચેલું અને છોડી દેવા માટે ૨૫ કરોડ રૂપિયા માગ્યા હતા. મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા નવાબ મલિકે મુંબઈ ખાતે આજે સવારે ૯મી વખત પ્રેસ કોન્ફરન્સ યોજીને એનસીબી અધિકારી સમીર વાનખેડે અને ભાજપના નેતા મોહિત કંબોજ પર નિશાન સાધ્યું હતું. નવાબ મલિકે કહ્યું કે, એનસીબી હેડ ક્વાર્ટરમાં બહારના લોકોની એન્ટ્રી કઈ રીતે થઈ શકે. ક્રૂઝ ડ્રગ્સ કેસ સંપૂર્ણપણે બોગસ છે. બહારની કોઈ વ્યક્તિ કોઈ આરોપીને કઈ રીતે લઈ જઈ શકે. કિરણ ગોસાવી નામની વ્યક્તિ આર્યન ખાનનું નિવેદન લઈ રહી હતી જે પોતે જ અન્ય કેસમાં આરોપી રહી ચુક્યો છે. એનસીબીએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ૧૧ લોકોને કસ્ટડીમાં લીધા હતા પરંતુ તેમાંથી ૩ લોકોને શા માટે છોડ્યા. મલિકે કહ્યું કે, ૬ ઓક્ટોબરના રોજ મારી પ્રેસ કોન્ફરન્સ હતી અને ૭ ઓક્ટોબરે વાનખેડે અને કંબોજ ઓશિવારાના કબ્રસ્તાનમાં મળ્યા. તેમના નસીબ સારા હતા કે તે સમયે સીસીટીવી કેમેરા બંધ હતા. વાનખેડે સાહેબ ડરીને જતા રહ્યા કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. વાનખેડેનો એક જ ખેલ છે કે, ડ્રગનો ધંધો ચાલતો રહે અને ડ્રગ માફિયાને સંરક્ષણ આપવામાં આવે. એટલું જ નહીં, વાનખેડે ફિલ્મ જગતના લોકોને ડરાવીને હજારો કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાની રમતમાં પણ સામેલ છે.


