નવી દિલ્હી
ન્યુમોકોકલ સંક્રમણને કારણે મેનિન્જાઈટિસ, સેપ્ટિસીમિયા અને ન્યુમોનિયા તેમજ સાઈનુસાઈટિસ જેવા રોગ થઈ શકે છે. પીસીવીનું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતા આ રોગ અને મૃત્યુને અટકાવી શકશે. સૌથી વધારે જેને જાેખમ છે તે ૧ વર્ષથી નાના બાળકોને ખાસ સુરક્ષા મળશે. આર્થિક બોજ પણ દૂર થશે. પીસીવી રસીનો ઉપયોગ ૧૪૬ દેશ કરી રહ્યા છે અને ભારતમાં પણ ખાનગી માર્કેટમાં ૨૦૦૬થી ઉપલબ્ધ છે. ગુજરાતમાં પીસીવી-૧૦ વર્ઝન ઉપલબ્ધ થશે જે ૨થી ૮ ડીગ્રીના તાપમાને સચવાઈ જશે અને એક વાયલમાં ૫ ડોઝ આવશે. નવજાત અને ૧ વર્ષથી નાનાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાને કારણે હોસ્પિટલાઈઝેશન વધતું હોય છે. અમુક કિસ્સાઓમાં મોત પણ થાય છે. ન્યુમોનિયા, મેનિન્જાઈટિસ અને સેપ્ટિસીમિયા જેવા આ રોગ સામે ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન સુરક્ષા આપે છે પણ તે બધા પરિવારને પરવડે તેમ નથી કારણ કે, તે ફક્ત ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અને એક ડોઝની કિંમત ૩૦૦૦થી લઈને ૪૫૦૦ રૂપિયા સુધીની હોય છે અને એક જ વર્ષમાં ૩ ડોઝ આપવાના હોય છે. હવે આ રસી પણ રાજ્યમાં વિનામૂલ્યે મળવાની શરૂ થશે આ માટેનો જથ્થો પણ સેન્ટ્રલ વેક્સિન સ્ટોર સુધી પહોંચવાનો શરૂ થઈ ગયો છે અને એકાદ મહિનામાં રસીકરણ શરૂ થઈ જશે. નેશનલ હેલ્થ મિશન ગુજરાતના ડિરેક્ટર રૈમ્યા મોહને જણાવ્યું છે કે, ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિનનો યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં ૨૦૧૭થી થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૨૫ રાજ્યોમાં છે અને હવે ગુજરાતમાં તેની શરૂઆત થશે. રસીનો પહેલો ડોઝ ૬ અઠવાડિયે, બીજાે ૧૪ અને ત્રીજાે ૯ માસે અપાય છે. તે રીતે રાજ્યના ૧૨ લાખ બાળકોને એક જ વર્ષમાં ૩૬ લાખ ડોઝ રસી વિનામૂલ્યે અપાશે. ન્યુમોકોકલ રોગ એ સ્ટ્રેપ્ટોકકસ ન્યુમોનિયાએ નામના જીવાણુથી થતા રોગના સમૂહનું નામ છે. પાંચ વર્ષથી નાના બાળકોમાં બેક્ટેરિયલ ન્યુમોનિયાનું સૌથી મોટું કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા છે. એ એક પ્રકારનો શ્વાસોશ્વાસને લગતો ચેપી રોગ છે જે ફેફસાંમાં બળતરા અને પાણી ભરાવાની સમસ્યા નોતરે છે. ૫ વર્ષથી નાના બાળકોમાં તેનું જાેખમ વધારે હોય છે આ રોગમાં ઉધરસ, છાતી ખેંચાવી ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થતા ઓક્સિજન ઘટી જાય છે. બાળકોને ખાવામાં તકલીફ પડે છે અને આંચકી પણ આવી શકે છે અને મૃત્યુની પણ સંભાવના છે. ભારતમાં ૨૦૧૦માં આશરે એક લાખ જયારે ૨૦૧૫માં ૫૩૦૦૦ બાળકોનાં ન્યુમોકોકલ ન્યુમોનિયાથી મોત થયા હતા. આ તમામની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. આ ઉંમરના બાળકોનો મૃત્યુ દર ઘટાડવા પીસીવી મદદરૂપ થશે તેવો દાવો છે.