નવી દિલ્હી
ચીનથી આવતા મોબાઇલની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને તે પછી જ તેને માર્કેટમાં મુકવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકાર ટેલિકોમ ઇક્વિપમેંટ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સના કંપનીઓની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી કથિત સાયબર જાસૂસીની તપાસ કરવામાં મદદ મળશે. એવા અહેવાલો છે કે સરકારે આ પગલુ ચીનની મોટી કંપનીઓ જેવી કે હુવાવે અને ઝેટડીઇને ટેલિકોમ નેટવર્કિંગના સંવેદનશીલ ક્ષેત્રથી દુર રાખવા માટે લીધુ હોઇ શકે છે. આ નિયમ માત્ર ચીની કંપનીઓ જ નહીં પુરી ઇંડસ્ટ્રી પર લાગુ થઇ શકે છે. અને તેમાં ચીનની બનાવટની પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત ચીનની કંપનીઓ માટે સરકાર વિશેષ નિયમો પણ લાગુ કરવાની તૈયારીમાં છે. ભારતમાં મેડ ઇન ચાઇના વસ્તુઓનું પ્રમાણ વધી રહ્યું છે સાથે તેના જાેખમ પણ એટલા જ રહ્યા છે. હવે એવા અહેવાલો છે કે ભારતમાં જે ચીનના મોબાઇલ છે તેના દ્વારા મોબાઇલ વડે જાસુસી કરવામાં આવી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક નવા નિયમો ઘડવાની તૈયારી શરૃ કરી દીધી છે. ખાસ કરીને ચીનથી આવતા સ્માર્ટફોન અને તેમાં ઇન્સ્ટોલ કરાયેલી એપ્લિકેશન ભારતીય યૂઝર્સની જાસુસી માટે તો ઉપયોગમાં નથી લેવાઇ રહીને તેની ચકાસણી ચાલી રહી છે. આ જાણકારી મેળવવા માટે નવા નિયમો લાગુ કરવાની સરકાર તૈયારી કરી રહી છે. નવા નિયમો અનુસાર મોબાઇલ હેંડસેટના ટિયર-ડાઉન એટલે કે ફોનના બધા જ પાર્ટ્સની તપાસ અને ઇન-ડેપ્થ ટેસ્ટિંગ ફરજિયાત બનાવવામાં આવી શકે છે.
