નવી દિલ્હી
ચીને ભારતની સરહદો પર રશિયાની અત્યાધુનિક એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દીધી છે. ભારત સરકારે ચેતવણી આપી છે કે ચીન એલએસી પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. એટલું જ નહીં ચીની સૈન્ય સતત અક્સાઈ ચીન વિસ્તારમાં રાતના સમયે હુમલા કરવાનો અભ્યાસ કરી રહ્યું છે. પરીણામે ચીન ગલવાન હિંસાનું પુનરાવર્તન કરવાનું કાવતરું રચી રહ્યું હોવાની આશંકાઓ પ્રબળ બની છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ જણાવ્યું હતું કે, ચીને એલએસી પર મોટાપાયે સૈનિકો અને હથિયારો તૈનાત કર્યા છે. જાેકે, ચીનના કોઈપણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પણ પર્વતીય વિસ્તારોમાં પર્યાપ્ત સૈનિકો નિયુક્ત કરવાની સાથે કે-૯ વજ્ર હોવિત્ઝર તોપો પણ ગોઠવી છે. આ તોપોનું ઉત્પાદન હજીરા ખાતે થયું છે.પૂર્વીય લદ્દાખમાં ફોરવર્ડ વિસ્તારોમાં ચીની સૈન્યે તેના સૈનિકોની સંખ્યા વધારી હોવાના ભારતના આર્મી ચીફ મનોજમુકુંદ નરવાણીના દાવા વચ્ચે ચીને તેના કબજા હેઠળના ભારતીય વિસ્તાર અક્સાઈ ચીનમાં મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું હોવાનો એક સેટેલાઈટ તસવીરે ઘટસ્ફોટ કર્યો છે. આ તસવીરમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે ચીન અક્સાઈ ચીનમાં મોટાપાયે મિલિટ્રી કેમ્પ, ઘર, રસ્તા બનાવી રહ્યું છે. સેટેલાઈટ તસવીરોમાં અક્સાઈ ચીન વિસ્તારમાં ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઓળખી કઢાયા છે. ચીને સરહદ પાસે સૈન્યના કેમ્પ બનાવ્યા છે. સમયે સમયે આવતા અહેવાલોમાં દાવો કરાયો છે કે તેમાંથી અનેક કેમ્પ સ્થાયી છે, જે કોંક્રિટથી બનેલા છે, જ્યાં પીએલએના જવાનો છે. આ વિસ્તારમાં ચીને એવા મકાનો બનાવ્યા છે, જેના પર હવામાનની વિપરિત પરિસ્થિતિઓની કોઈ અસર થતી નથી. ચીને જે વિસ્તારોમાં કેમ્પ બનાવ્યા છે તેમાં ગલવાન ઘાટીનો પણ સમાવેશ થાય છે, જ્યાં ગયા વર્ષે બંને દેશો વચ્ચે અથડામણ થઈ હતી. આ સિવાય અનેક સ્થળો પર ચીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે. આ વિસ્તારમાં ચીન રસ્તા બનાવી રહ્યું હોવાનું પણ સ્પષ્ટ પણે જાેઈ શકાય છે. સેટેલાઈટ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ચીને આ વિસ્તારમાં એક આખું ‘સૈન્ય શહેર’ વસાવી દીધું છે, જેના પર તેનો ગેરકાયદે કબજાે છે. ચીનનો આ ગેરકાયદે કબજાે માત્ર પૂર્વીય લદ્દાખ સુધી મર્યાદિત નથી. તે ધીમે ધીમે સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની સરહદો પર પણ ગામ વસાવવા અને રસ્તાઓ બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેનો ખુલાસો આ સેટેલાઈટ તસવીરોથી થયો છે.