,નવીદિલ્હી
દેશભરમાં કોરોના વાઇરસ સામે અપાઇ રહેલી રસીના ડોઝની સંખ્યા વધીને ૧૩૦ કરોડને પાર પહોંચી ગઇ છે. બુધવારે સાંજે સાત વાગ્યા સુધીમાં રસીના ૭૨ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. ૧૬મી જાન્યુઆરી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ એવા લોકોને લાગવાની શક્યતાઓ વધુ હોય છે કે જેમને અગાઉ કોરોના થયો હોય અથવા સાજા થઇ ગયા હોય. ભારતમાં કોરોનાના નવા ૮૪૩૯ કેસો સામે આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૧૯૫ લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ દેશમાં ઓક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૯૩ હજારે પહોંચી ગઇ હતી. હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને ચિંતા વધી રહી છે. કેન્દ્ર સરકારે ઓમિક્રોન વેરિઅન્ટને લઇને રાજ્ય સરકારોને સુચના જારી કરી છે. કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે ઓમિક્રોનના જે પણ દર્દીઓ હોય તેમને માન્ય કોવિડ સુવિધા કેન્દ્ર પર જ સારવાર આપવામાં આવે. એટલે કે આ વેરિઅન્ટના દર્દીઓને અન્ય વેરિઅન્ટના દર્દીઓ કરતા અલગ આઇસોલેટ સુવિધામાં રાખવામાં આવે. સાથે જ સારવાર દરમિયાન ક્રોસ ઇન્ફેક્શન ન ફેલાય તેની પણ સાવચેતી રાખવી.