નવી દિલ્હી
ભારતમાં ડ્રગ્સ રાખવું એ ગુનો છે અને એનડીપીએસ એક્ટની કલમ ૨૭માં કોઈ પણ નશીલી દવા કે સાઈકોટ્રોપિક પદાર્થના સેવન માટે એક વર્ષ સુધીની કેદ અને ૨૦,૦૦૦ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ છે. આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે સામાજીક ન્યાય મંત્રાલયે અંગત વપરાશ માટે ઓછી માત્રામાં ડ્ર્ગસ રાખવામાં આવે તેને અપરાધની શ્રેણીમાંથી હટાવવા અંગે ભલામણ કરી છે. મંત્રાલયે મહેસૂલ વિભાગને નશીલી દવા અને માદક પદાર્થ (એનડીપીએસ) અધિનિયમની સમીક્ષા સોંપી હતી. વર્તમાન સમયમાં એનડીપીએસ અધિનિયમ અંતર્ગત રાહત કે છૂટની કોઈ જ જાેગવાઈ નથી અને અધિનિયમ અંતર્ગત આરોપી સજા અને જેલમાં જવાથી ત્યારે જ બચી શકે છે જ્યારે તે પોતે પુનર્વાસ કેન્દ્ર જવાની ઈચ્છા દર્શાવે છે. અધિકારીઓના કહેવા પ્રમાણે ગત સપ્તાહે મહેસૂલ વિભાગ સાથે શેર કરવામાં આવેલી ભલામણોમાં મંત્રાલયે અંગત વપરાશ માટેના ઓછી માત્રામાં માદક પદાર્થો મળી આવે તેને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવાનું સૂચન આપ્યું હતું. મંત્રાલયે ભલામણ કરી હતી કે, અંગત વપરાશ માટે ઓછા પ્રમાણમાં નશીલા પદાર્થો સાથે પકડાય તે વ્યક્તિને જેલનના બદલે સરકારી કેન્દ્રોમાં અનિવાર્ય ઉપચાર માટે મોકલવી જાેઈએ.
