નવી દિલ્હી
સરદાર પટેલ હોસ્પિટલથી લેડી હાર્ડિંગ હોસ્પિટલ, આગળ કલાવતી, ફરી લેડી હાર્ડિંગ.. લોહીથી લથપથ બાળકીને લઈ નવી દિલ્હી અને મધ્ય દિલ્હી ખાતે સ્થિત હોસ્પિટલો વચ્ચે એમ્બ્યુલન્સ દ્વારા ભટકવું પડ્યું. આખરે ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તે પોતાની દીકરીને દાખલ કરાવી શક્યો. આઈસીયુમાં દાખલ બાળકીની સ્થિતિ ૩૬ કલાક બાદ પણ ખૂબ જ નાજુક છે. બાળકીના પિતા માલની હેરાફેરી કરવા માટે વપરાતી રીક્ષા ચલાવે છે અને માતા ઘરોમાં સાફ-સફાઈનું કામ કરે છે. શુક્રવારે સવારે બાળકી ગુરૂદ્વારામાં લંગર લેવા માટે ગઈ હતી. એકવાર લંગર લાવીને ઘરે મુક્યું અને ફરી લંગર લેવા માટે ગઈ. પાછી આવી ત્યારે તે લોહીથી લથપથ હતી. બાળકીએ જણાવ્યું કે, રસ્તામાં એક યુવકે તેને કોપી-પુસ્તકો આપવાની લાલચ આપી હતી અને એક રૂમમાં લઈ ગયો હતો જ્યાં તેના સાથે દુષ્કર્મ કર્યું હતું. ૨૦-૨૫ વર્ષનો તે આરોપી યુવક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અને પોલીસે તેને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. રાજધાની દિલ્હીમાં ફરી એક વખત માનવતા નેવે મુકાઈ છે. રણજીત નગર વિસ્તારમાં એક યુવકે ૬ વર્ષીય માસૂમને બંધક બનાવીને તેના સાથે દુષ્કર્મ કર્યું હતું અને આટલેથી ન અટકતાં વિરોધ કરવા પર તેની સાથે મારપીટ પણ કરી હતી. પીડાથી કણસી રહેલી બાળકીનું દુખ અહીં પૂરૂ નહોતું થયું. પોતાની દીકરીને ઉઠાવીને લાચાર પિતા દિલ્હીની ૫ મોટી હોસ્પિટલો વચ્ચે આશરે ૧૫ કિમી અને ૨.૫ કલાક સુધી ચક્કરો કાપતો રહ્યો હતો પરંતુ સારવાર આપવાના બદલે તેને બીજી હોસ્પિટલમાં ધકેલવામાં આવી રહ્યો હતો.