નવી દિલ્હી
આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને ૮૧.૫૧ ડોલરને પાર થઇ ગયો છે. એક મહિના પહેલા આ જ ક્રૂડનો ભાવ ૭૨ ડોલરની નીચે હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૮ જુલાઇથી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં કોઇ ભાવવધારો કર્યો ન હતો. ભારતીય ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૃ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૨.૪૫ રૃપિયા અને પેટ્રોલના ભાવમાં ૧.૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ચોથી મેથી ૧૭જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો થયો હતો. પેટ્રોલમાં ૨૫ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવતા બંનેના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૨૦૧૪ પછીની સૌથી ઉંચી સપાટીએ પહોંચી જતાં દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૨.૬૪ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૧.૭૦ રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૮.૬૭ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૮.૮૦ રૃપિયા થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે વિવિધ રાજ્યોમાં વેટનો દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ભિન્ન જાેવા મળે છે. એક સપ્તાહમાં ઇંધણના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવતા દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં પેટ્રોલનો ભાવ ૧૧૧ રૃપિયાને પાર થઇ ગયો છે. બીજી તરફ બે સપ્તાહમાં ડીઝલના ભાવમાં ૯મી વખત ભાવવધારો કરવામાં આવતા મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગણાના કેટલાક શહેરોમાં ડીઝલનો ભાવ પણ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. વિશ્વમાં ઓઇલની અછત સર્જાઇ હોવા છતાં ઓપેક દેશોએ ક્રૂડના ઉત્પાદન અંગે પોતાની અગાઉની નિર્ધારિત નીતિમાં કોઇ ફેરફાર ન કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.