,નવીદિલ્હી
પાકિસ્તાનથી માનવતા માટે શરમજનક ગણાય તેવી એક ઘટના સામે આવી છે. અહીંના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ ખાતે ૪ મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. રસ્તાની વચ્ચે તેમના કપડાં ઉતરાવવામાં આવ્યા હતા અને આટલેથી ન અટકતાં તેમને લાકડીઓ વડે માર માર્યો હતો. આ બનાવનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ ૧ કલાક સુધી ચાલેલા આ ઘટનાક્રમમાં ચારેય મહિલાઓ દયાની ભીખ માગતી દેખાઈ રહી છે. પીડિત મહિલાઓએ જણાવ્યું કે, તેઓ ફૈસલાબાદના એક બજારમાં કચરો ઉપાડવા ગઈ હતી. તે દરમિયાન તેમને તરસ લાગી તેથી તેમણે ઉસ્માન ઈલેક્ટ્રિક સ્ટોર પર જઈને પાણીની બોટલ માગી હતી. તે સમયે દુકાન માલિક સદ્દામે તેમને ચોરી કરવાવાળા સમજી લીધા અને આરોપ લગાવીને માર મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ત્યાં ટોળુ એકઠું થઈ ગયું હતું. ટોળાએ મહિલાઓના કપડાં ઉતારાવ્યા હતા અને રસ્તા પર ચલાવીને માર માર્યો હર્તો આ બનાવનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, તે બધાની ધરપકડ પણ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે.
