નવી દિલ્હી
પંજાબ પોલીસના આતંકવાદરોધી વિભાગ (સીટીડી) દ્વારા એફઆઈઆર નોંધાવાયા બાદ લાહોરની આતંકવાદવિરોધી કોર્ટે આ વર્ષે એપ્રિલમાં જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલા આતંકવાદી પ્રો. મલિક જફર ઈકબાલ, યાહ્યા મુજાહિદ (જેયુડી પ્રવક્તા), નસરૂલ્લા, સમીઉલ્લાહ અને ઉમર બહાદુરને ૯-૯ વર્ષની કેદ અને હાફિજ અબ્દુલ રહમાન મક્કીને ૬ મહિનાની જેલની સજા સંભળાવી હતી. લોઅર કોર્ટે આ નેતાઓને આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડવા મામલે દોષી ઠેરવ્યા હતા. તેઓ ભંડોળ એકઠું કરીને લશ્કર-એ-તૈયબાને ગેરકાયદેસર રીતે ભંડોળ પૂરૂ પાડી રહ્યા હતા. કોર્ટે ટેરર ફન્ડિંગ દ્વારા એકત્ર કરવામાં આવેલા ધનથી ખરીદવામાં આવેલી સંપત્તિને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો. લાહોર હાઈકોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિજ સઈદના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના ૬ વરિષ્ઠ નેતાઓને આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ પૂરૂ પાડવાના કેસમાં નિર્દોષ છોડી મુક્યા છે. કોર્ટે લોઅર કોર્ટ દ્વારા દોષી જાહેર કરવાના ર્નિણયને રદ્દ કરીને આ ચુકાદો આપ્યો છે. હાફિજ સઈદના નેતૃત્વવાળા પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબાનું મુખવટા સમાન સંગઠન છે. લશ્કર-એ-તૈયબા વર્ષ ૨૦૦૮ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર આતંકવાદી સંગઠન છે. મુંબઈ ખાતે થયેલા આ હુમલામાં ૬ અમેરિકન સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા.


