ન્યુદિલ્હી
ચીન ભૂતાનના ૭૬૪ કિલોમીટર વિસ્તાર પોતાનો હોવાનો દાવોે કરે છે. જેમાં ભૂતાનના પશ્ચિમોત્તરમાં આવેલા ડોકલામ,સિનચુલુંગ, ડ્રામાના અને શાખાતો અને મધ્ય ક્ષેત્રના પસામલુંગ અને જકારલુંગનો સમાવેશ થાય છે. ભારત સાથેના સરહદ વિવાદ અને અમેરિકાને યુદ્ધની ધમકી આપનાર ચીન હવે પોતાની સૈન્ય શક્તિને વધારી રહ્યું છે. એ રિપોર્ટ અનુસાર ચીનના પ્રમુખ જિનપિંગે સશસ્ત્ર દળોનું ઝડપથી આધુનિકીકરણ અને ભવિષ્યમાં યુદ્ધ જીતવા માટે નવી ભરતીને જરૃરી ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પીપલ્સ લિબરેશન આર્મીમાં વધુ ત્રણ લાખ જવાનોની ભરતી કરવામાં આવશે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે. ચીનના પ્રમુખ જિનપિંગે ત્રણ દિવસ સુધી ચાલેલા સૈન્ય પ્રતિભા સંબધી કાર્યો પર એક સંમેલન દરમિયાન જણાવ્યું હતું કે ભવિષ્યમાં યુદ્ધ જીતવા માટે ચીનને નવી પ્રતિભાઓની જરૃર છે. આ ઉપરાંત સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ પણન જરૃરી છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૯ અબજ ડોલરના વાર્ષિક સેન્ય બજેટની સાથે ચીનની સેનાનું ઝડપથી આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને સંગઠનાત્મક સુધારા કરવામાં આવી રહ્યાં છે. જિનપિંગે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૭માં પીપલ્સ લિબરેશન આર્મીના શતાબ્દી વર્ષ પહેલા નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવા માટે દેશને નવી પ્રતિભાઓની જરૃર છે. તેમણે પ્રથમ શ્રેણીની સૈન્ય સ્કૂલોના નિર્માણ પર ભાર મૂક્યો હતો. અન્ય એક ઘટનાક્રમ હેઠળ ચીને પોતાના પાડોશી દેશ ભૂતાન સાથેનો સરહદી વિવાદ ઉકેલવા માટે એક સમજૂતી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના પાડોશી દેશો સાથે આક્રમક નીતિ ચાલુ રાખવાની વચ્ચે ચીને ભૂતાનની સાથે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદને ઉકલવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આક્રમક વલણ અપનાવીને પોતૈાના પાડોશી પર પોતાની વાત મનાવવા માટે દબાણ વધારવુ ચીનની ટેવ છે . આ માટે તે સલામી સ્લાઇસિંગ ટેકનિકનોે ઉપયોગ કરે છે.
