નવી દિલ્હી
ખેલ રત્ન એવોર્ડનું નામ અગાઉ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતુ. જેને બદલીને ચાલુ વર્ષે જ મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ કરવામાં આવ્યું હતુ. સામાન્ય રીતે આ એવોર્ડ ૨૯મી ઓગસ્ટે હોકી લેેજન્ડ મેજર ધ્યાન ચંદના જન્મ દિને એનાયત કરવામાં આવતા હોય છે. જાેકે આ વખતેે પેરાલિમ્પિકનું આયોજન થયું હોવાથી તેમાં સારો દેખાવ કરનારા ખેલાડી એવોર્ડમાં રહીન જાય તે માટે રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારંભના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ખેલ રત્નના વિજેતાને રૃપિયા ૨૫ લાખનો રોકડ પુરસ્કાર તેમજ મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવે છે. જ્યારે અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓને રૃપિયા ૧૫ લાખ, અર્જુનની કાંસાની નાનકડી મૂર્તિ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવે છે. આ સિવાય ૧૦ કોચિસને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતને એથ્લેટિક્સની રમતમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરા સહિતના ૧૨ ખેલાડીઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દેશનો સર્વોચ્ચ મેજર ધ્યાન ચંદ ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ટોક્યો પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને અર્જુન એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીતનારી દેશની ટોચની મહિલા સિંગલ્સ ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને પણ અર્જુન એવોર્ડ એનાયત થયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં નીરજની સાથે ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે આ સન્માન મેળવનારી ભારતની સૌપ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. ખેલ રત્ન એવોર્ડ મેળવનારા ખેલાડીઓમાં ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીનો સિલ્વર જીતનારા રવિ કુમાર, મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંઘ અને ગોલકિપર પી.આર. શ્રીજેશ, ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી, મહિલા બોક્સર લવલીના બોર્ગોહેન, પેરા શૂટર અવની લેખારા અને મનીષ નરવાલ, પેરા બેડમિંટન ખેલાડી પ્રમોદ ભગત, પેરા એથ્લીટ સુમિત એન્ટિલ તેમજ પેરા બેડમિંટન ખેલાડી કૃષ્ણા નાગરનો સમાવેશ થયો હતો. જ્યારે ૩૫ ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની ભાવિના અને અંકિતાની સાથે ક્રિકેટર શિખર ધવનનો પણ સમાવેશ થતો હતો. જ્યારે ઓલિમ્પિક હોકીમાં ભારતને ઐતિહાસિક બ્રોન્ઝ અપાવનારા ખેલાડીઓને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.