નવીદિલ્હી
ક્રિપ્ટોકરન્સી ડિજિટલ કેશ સિસ્ટમ છે જે ખાનગી કમ્પ્યૂટર ચેન સાથે જાેડાયેલી છે અને કમ્પ્યૂટર અલ્ગોરિધમ પર નિર્મિત છે. તેની પર કોઇ દેશ કે સરકારનું નિયંત્રણ નથી. તેની લોકપ્રિયતાને જાેતા ઘણા દેશ તેને લીગલ કરી ચૂક્યા છે. તેને ખરીદવાની બે રીત છે, પણ સૌથી સરળ અને લોકપ્રિય રીત ક્રિપ્ટો એક્સ્ચેન્જ મારફત ખરીદી છે. ભારતમાં વઝીરએક્સ, જેબપે, કોઇનસ્વિચ કુબેર, કોઇનડીસીએક્સ ગો સહિતના એક્સ્ચેન્જ સામેલ છે.એક તરફ ક્રિપ્ટોકરન્સી મુદ્દે સરકાર બિલ તૈયાર કરી ચૂકી છે.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને આરબીઆઇ ગવર્નર સુધી ક્રિપ્ટોકરન્સી મુદ્દે રોકાણકારોને ચેતવી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ દેશમાં આ ચડ-ઊતર સભર વેપાર પ્રત્યે લોકપ્રિયતા વધી રહી છે. ભારતીયોના ક્રિપ્ટો પ્રત્યેના ક્રેઝનો અંદાજ આ વાતે લગાવી શકાય છે કે દેશના સૌથી મોટા ક્રિપ્ટો એક્સ્ચેન્જ વઝીરએક્સનું ટ્રેડિંગ વોલ્યૂમ અનેકગણું વધી ગયંુ છે. વઝીરએક્સે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું હતું કે તેના ટ્રેડિંગ વોલ્યૂમમાં ૧૭૩૫ ટકાનો વધારો થયો છે. એક્સચેન્જ તરફથી જણાવાયું હતું કે ટ્રેડિંગ વોલ્યૂમ વધીને ૪૩ અબજ ડૉલરના સ્તરે પહોંચી ગયું છે. એટલે કે એક વર્ષની અંદર એક્સ્ચેન્જ મારફત આટલા મૂલ્યની ખરીદી અને વેચાણના સોદા કરાયા હતા. ૨૦૨૦ની તુલનામાં તેમાં ૧૭૩૫ ટકાનો વધારો થયો છે.


