નવીદિલ્હી,
ભારતમાં આવતા અને વિદેશ જતાં હવાઈ પ્રવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ભારત દ્વારા ૧૫ ડિસેમ્બરથી તમામ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર દ્વારા નિયમિત વિદેશી ફ્લાઇટ્સની આવન-જાવનને પરવાનગી આપવામાં આવી છે. તેમાં ૧૪ દેશોને બાકાત પણ રાખવામાં આવ્યા છે.ખાસ કરીને યુરોપના કેટલાક દેશો અને જ્યાં તાજેતરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ દેખાયો છે ત્યાં હવાઈ સેવાઓ હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. બીજી તરફ બાંગ્લાદેશ, બોટ્સવાના અને ઝિમ્બાબ્વેની ફ્લાઇટ સેવાઓ પણ હાલ બંધ રાખવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, માર્ચ ૨૦૨૦થી તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જે હવે ફરી શરૂ થશે.


