ન્યુદિલ્હી
ઓક્સફર્ડ ટાઉનશિપ (યુએસ)- અમેરિકામાં હાઇસ્કૂલમાં શૂટઆઉટ રોકાવવાનું નામ લેતા નથી. ડેટ્રોઇટથી ૪૮ કિ.મી. દૂર આવેલી ૨૨ હજારની કમ્યુનિટીમાં આવેલી મિશિગન હાઇસ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થીએ કરેલા શૂટઆઉટમાં ત્રણના મોત થયા છે અને આઠને ઇજા થઈ છે. તેમા કેટલાકની હાલત ગંભીર છે. તેમા ૧૪ વર્ષની કિશોરીને ઓપરેશન પછી વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. આ માર્યા ગયેલાઓમાં એક કિશોરનું મોત પોલીસ ડેપ્યુટીની વાનમાં હોસ્પિટલ લઈ જવાતો હતો ત્યારે થયું હતું. તપાસકર્તાઓ હજી પણ આ હત્યા પાછળનો હેતુ શોધવા પ્રયત્નશીલ છે. શૂટર અંગે ૧૦૦થી વધારે ફોન ૯૧૧ પર આવતા પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પહોંચ્યાની અડધી મિનિટમાં વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. પોલીસ ડેપ્યુટીએ તેનો એપ્રોચ કરતા જ તેણે હાથ અદ્ધર કરી દીધા હતા. બાળકના પિતાએ શુક્રવારે જ બંદૂક ખરીદી હતી. ઓકલેન્ડ કાઉન્ટીના ચીફ માઇકલ બુચાર્ડે જણાવ્યું હતું કે તેઓને ખબર નથી કે તેના પિતાએ આ બંદૂક શું કામ ખરીદી. સત્તાવાળાઓએ હજી સુધી બાળકની ઓળખ જાહેર કરી નથી માર્યા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓમાં ૧૬ વર્ષના ટેટ માયર, ૧૪ વર્ષની હના અને ૧૮ વર્ષના મેડિસ્યન બાલ્ડવિનનો સમાવેશ થાય છે. બુચાર્ડે જણાવ્યું હતું કે માયરનું મોત પોલીસ ડેપ્યુટીની પેટ્રોલ કારમાં જ થઈ જવાયું હતું જ્યારે તેને ઇમરજન્સી સારવાર માટે લઈ જવાઈ રહ્યો હતો. એક શિક્ષકને ખભા પર ઇજા થઈ હતી, તેની સારવાર કરી તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. પણ ૧૪થી ૧૭ વર્ષના સાત વિદ્યાર્થી હોસ્પિટલાઇઝ્ડ છે. આ વિદ્યાર્થીએ શરણાગતિ સ્વીકારી ત્યારે તેની બંદૂકમાં બીજા સાત રાઉન્ડ બાકી હતા. બાળકને તેના માતાપિતાએ સલાહ આપી છે કે તે તપાસકર્તાઓ સાથે વાત ન કરે. પોલીસે બાળક સાથે વાત કરવી હોય તો તેના માબાપ કે વાલીની મંજૂરી લેવી પડે છે.
