નવી દિલ્હી
સંરક્ષણ પ્રધાન આ સંમેલનમાં ભવિષ્યના પડકારો પર વિચાર વિમર્શ કરશે. સૈન્ય કમાન્ડર સંમેલનનું આયોજન વર્ષમાં ૨ વખત એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં કરે છે. આ પરિષદ એક સંસ્થાકીય મંચ છે જેના પર વૈચારિક સ્તરે સંબંધિત તમામ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવે છે, જેના આધારે ભવિષ્યના ર્નિણયો લેવામાં આવે છે તેમજ નીતિ બનાવવામાં આવે છે. આ મંચ આર્મીના ટોચના નેતૃત્વને સૈન્ય બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવાની તક પૂરી પાડે છે.૩ દિવસના સંમેલન દરમિયાન સેનાનું ટોચનું નેતૃત્વ સરહદો પર હાલની સ્થિતિ તથા કોવિડ મહામારીથી ઉભા થયેલા પડકારોની વચ્ચે સુરક્ષા પડકારો તથા વહીવટી પાસાઓ પર ઉંડાણપૂર્વક વિચાર કરશે. સંમેલનમાં ૩ સેનાઓની વચ્ચે સારા સંકલન તથા એકીકરણને મજબૂત બનાવવાના ઉપાયો પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે સોમવારથી શરૂ થતાં આ આર્મી કમાન્ડર્સનું સંમેલન ૨૮ ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત , સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે , નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી આમાં ભાગ લેશે.
