નવી દિલ્હી
તમિલનાડુના પોલીસ મહાનિદેશક પ્રતીપ ફિલિપે નોકરીના અંતિમ દિવસે લોહીના ડાઘાવાળી કેપ અને બેજ પહેર્યા હતા જે તેમણે ૩૦ વર્ષ પહેલા રાજીવ ગાંધી હત્યાકાંડ સમયે પહેરેલા હતા. ૧૯૯૧ના વર્ષમાં ચૂંટણી રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં ફિલિપ ઘાયલ થયા હતા અને રિટાયરમેન્ટના ૨-૩ દિવસ પહેલા ચેન્નાઈની કોર્ટે પુરાવા તરીકે જમા આ બંને વસ્તુઓ લેવા માટે તેમને અનુમતિ આપી હતી. ફિલિપને યાદ છે કે, રાજીવ ગાંધી એક સફેદ કુર્તો પહેરીને બુલેટપ્રુફ કારમાંથી બહાર નીકળ્યા હતા. ફિલિપ એક લાકડીની મદદથી ભીડને કંટ્રોલ કરી રહ્યા હતા. તેમણે મહિલાઓ પર કાબુ મેળવવા ૨ મહિલા અધિકારીઓને લગાવ્યા હતા. તેઓ આગળ ચાલી રહ્યા હતા અને જ્યારે પાછા ફરીને જાેયું ત્યારે રાજીવ મહિલાઓના એક જૂથ વડે ઘેરાયેલા હતા. ધાનુ નામની એક હુમલાખોરે રાજીવના પગ પકડવાનું નાટક કરીને વિસ્ફોટકો વડે લદાયેલો બેલ્ટ ઉડાવી દીધો હતો. તે હુમલામાં રાજીવ સહિત કુલ ૧૬ લોકો માર્યા ગયા હતા. ફિલિપ અને અન્ય આશરે ૪૫ જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમના મોઢા પર લોહી હતું અને સ્થિતિ ખૂબ જ ભયાનક હતી. ફિલિપે જણાવ્યું કે, ૩૪ વર્ષની સેવાના સમાપન પર આ ટોપી અને બેજ પહેરવા તે એ આઘાત, જાેશ, કાયદા, ઉદાસી જેવી ભાવનાઓનું પ્રતીક છે જેમાંથી તેઓ પસાર થયા. તેમના કહેવા પ્રમાણે તેઓ એ દિવસની ઘટનાઓના અનુભવો પર પુસ્તક લખશે જેમાં લિટ્ટેની આત્મઘાતી હુમલાખોરે આત્મઘાતી હુમલો કરીને અન્ય ૧૪ લોકોનો જીવ લઈ લીધો હતો. તે સમયે ફિલિપની ઉંમર ૩૦ વર્ષની હતી અને તેઓ કાંચીપુરમ જિલ્લાના એએસપી તરીકે તૈનાત હતા. ગાંધીની સુરક્ષા માટે પોલીસની જે ટીમ તૈનાત કરવામાં આવેલી તેમાં તેઓ પણ સામેલ હતા. ફિલિપના કહેવા પ્રમાણે ૧૯ મેના રોજ આયોજકોએ વેન્યુ બદલી નાખ્યું હતું. ફિલિપે તે અંગે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ આયોજકો જિદ્દ પર અડગ રહ્યા હતા. ફિલિપ ૨ દિવસની રજા બાદ કોચીથી પરત પહોંચ્યા હતા. તેઓ ૧૧ મેના રોજ જન્મેલી પોતાની નવજાત બાળકીને પહેલી વખત જાેવા માટે ગયા હતા.