નવી દિલ્હી
દિલ્હી, હરિયાણા અને યુપીની અલગ અલગ સરહદોએ ખેડૂતો ૩ નવા કૃષિ કાયદાના વિરોધમાં ધરણાં પર બેઠેલા છે. આ ધરણાંઓને ૯ મહિના કરતા પણ વધારે સમય વીતી ચુક્યો છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે અનેક બેઠકો પણ યોજાઈ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી મળી રહ્યો. ખેડૂતોના કહેવા પ્રમાણે તે લોકો કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી હટશે નહીં. જ્યારે સરકારના કહેવા પ્રમાણે તે કાયદાઓ પાછા નહીં ખેંચે પરંતુ ખેડૂતો દ્વારા બતાવવામાં આવનારા સંભવિત ફેરફાર કરવા તૈયાર છે. સિંધુ બોર્ડર પર ખેડૂતો જ્યાં આંદોલન કરી રહ્યા છે ત્યાં એક યુવકની ખૂબ જ ર્નિદયતાપૂર્વક હત્યાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ તેના હાથ કાપીને મૃતદેહને બેરિકેડ સાથે લટકાવવામાં આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ સિંધુ બોર્ડર પર ભારે હંગામો થઈ રહ્યો છે. આંદોલનકારીઓ શરૂઆતમાં પોલીસને પણ મુખ્ય મંચ પાસે નહોતા જવા દઈ રહ્યા. જાેકે બાદમાં કુંડલી થાણા પોલીસ શબને ઉતારીને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. સિંધુ બોર્ડર પર આંદોલનકારીઓના મુખ્ય મંચ પાસે સવારના સમયે શખ્સનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. તેની ઉંમર ૩૫ વર્ષ જેટલી છે. યુવકના શરીર પર ધારદાર હથિયાર વડે હુમલાના નિશાન મળી આવ્યા છે. જે યુવકની હત્યા થઈ છે તેના હાથ કાંડેથી કાપી દેવામાં આવેલા છે. નિહંગોં પર આ હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
