નવી દિલ્હી
આજે દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને મોટું રોકાણ મળી રહ્યું છે અને યુવાનો માટે રોજગારીની તકો પેદા થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં લેવાયેલા ર્નિણયો ભારતના અર્થતંત્રને વધુ ઝડપથી આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે વિક્રમી સ્તરે અનાજની સરકારી ખરીદી થઈ રહી છે. ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ નાણાં જમા થઈ રહ્યા છે. રસીકરણની વધતી ઝડપ સાથે સ્પોર્ટ્સ, મનોરંજન, આર્થિક અને પ્રવાસન ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિઓ વધી છે. તહેવારોની મોસમ તેને વધુ ગતિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે મેડ ઈન આ અને મેડ ઈન તે કન્ટ્રીની બોલબાલા હતી. પરંતુ આજે બધી જ બાજુ દેશવાસીઓ મેડ ઈન ઈન્ડિયાની તાકતનો અનુભવ કરી રહ્યા છે. હું આજે ફરી એક વખત કહું છું કે મેડ ઈન ઈન્ડિયા હોય તેવી નાનામાં નાની વસ્તુ ખરીદવા પર ભાર મૂકવો જાેઈએ. સ્વચ્છ ભારત અભિયાન એક આંદોલન છે, તેમ વોકલ ફોર લોકલને પણ આપણે વ્યવહારમાં લાવવું જાેઈએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તહેવારો દરમિયાન લોકોને સાવધ રહેવાની વિનંતી કરતાં કહ્યું કે, આખા દેશમાં ઉત્સવનું વાતાવરણ છે અને આપણે ટૂંક સમયમાં કોરોના સામે વિજય હાંસલ કરી લઈશું. પરંતુ તેમણે લોકોને ચેતવણી આપતાં કહ્યું કે કોરોના સામે યુદ્ધ હજુ ચાલુ જ છે. લોકોએ હથિયારો મૂકી દેવાની જરૂર નથી. તહેવારોમાં લોકોએ બેદરકાર થવાના બદલે વધુ સાવધાની રાખવી પડશે. કોરોના સામે રસીરૂપી કવચ ગમે તેટલું મજબૂત હોય, પરંતુ યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી આપણે હથિયારો મૂકી દેવાના નથી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, માત્ર નવ મહિનામાં કોરોનાની ૧૦૦ કરોડથી વધુ રસી આપવાની ભારતની સફળતા એવા લોકોને જડબાતોડ જવાબ છે, જેઓ તેની ક્ષમતાઓ પર સવાલ ઊઠાવી રહ્યા હતા. તેમણે ખાતરીપૂર્વક કહ્યું કે આ સિદ્ધિ એ બાબત પર પણ પ્રકાશ પાડે છે કે ‘ન્યૂ ઈન્ડિયા’ મુશ્કેલ પડકારો નિશ્ચિત કરીને તેને હાંસલ પણ કરી શકે છે. દેશમાં કોરોનાની રસીના ૧૦૦ કરોડ ડોઝ મૂકાવા એ માત્ર આંકડો નથી, પરંતુ આપણા સામર્થ્યનું પ્રતિક છે. પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં આ મહામારી શરૂ થઈ ત્યારે કહેવાતું હતું કે ભારત જેવો દેશ માટે આ મહામારી સામે લડવું ખૂબ જ મુશ્કેલ હશે. આ સિવાય આપણા દેશમાં પણ કહેવાતું હતું કે આટલી બધી શિસ્ત અહીં કેવી રીતે ચાલશે. પરંતુ આપણા માટે લોકતંત્રનો અર્થ છે, બધાનો સાથ. દેશમાં બધાને સાથે લઈને મફત રસીકરણ અભિયાન શરૂ કરાયું. દેશના ગામે ગામ સુધી આપણો એક જ મંત્ર રહ્યો કે જાે બીમારી ભેદભાવ નથી કરતી તો પછી રસીકરણમાં પણ ભેદભાવ ન થાય. વડાપ્રધાને કહ્યું કે, રસીકરણ અભિયાન પર વીઆઈપી કલ્ચર પ્રભાવી ન થઈ જાય તે નક્કી કરવામાં આવ્યું. એવો પણ ર્નિણય લેવાયો કે કોઈ ગમે તેટલો પ્રભાવશાળી હોય કે અમીર હોય તેને સામાન્ય વ્યક્તિની જેમ જ રસી અપાશે. આજે દુનિયાના અનેક દેશોમાં લોકો રસી મૂકાવવાનું ટાળી રહ્યા છે, પરંતુ ભારતના લોકોએ ૧૦૦ કરોડ ડોઝ લઈને એવા લોકોને ચૂપ કરી દીધા છે.
