નવી દિલ્હી
કેન્દ્ર સરકારના ૩ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ નવેમ્બર ૨૦૨૦થી દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. મૃતક મહિલાઓ પણ આ આંદોલન સાથે સંકળાયેલી હતી. તેઓ રોટેશન અંતર્ગત પોતાના ઘરે જઈ રહી હતી પરંતુ અકસ્માતનો ભોગ બની હતી. હરિયાણાના બહાદુરગઢ ખાતે સવાર-સવારમાં એક ભારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં ૩ આધેડ મહિલાઓના મોત થયા છે અને અન્ય ૩ની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળ્યા મુજબ સવારે ૬ઃ૩૦ વાગ્યા આસપાસના સમયે ઝજ્જર રોડ પર આ અકસ્માત થયો હતો. આધેડ મહિલાઓ ડિવાઈડર પર બેઠેલી હતી તે સમયે અચાનક જ એક ટ્રક તેમના પર ફરી વળ્યો હતો. આ કારણે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક મહિલાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. તે સિવાય અન્ય ૩ મહિલાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તે મહિલાઓ ખેડૂત આંદોલનમાં સામેલ હતી અને મૃતક મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની રહેવાસી હતી. તેઓ વહેલી સવારે ઘરે જવા માટે ઓટોની રાહ જાેતાં ડિવાઈડર પર બેઠા હતા તે સમયે ઝજ્જર રોડ પર ફ્લાઈઓવરની નીચે એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટના બાદ તે વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો છે.


