ન્યુદિલ્હી
કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોનની મોટી ભૂમિકા હોઈ શકે છે. દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જાેવા મળતા કોરોનાના ઓમિક્રોન પ્રકારે બ્રિટનમાં સૌથી ઝડપથી ફેલાવવાનું શરૂ કર્યું છે. રવિવારે બ્રિટનમાં કોરોનાના કુલ ૮૨,૮૮૬ કેસ નોંધાયા હતા. જેમાંથી ૧૨,૧૩૩ કેસ માત્ર ઓમિક્રોનના હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૭,૧૦૧ ઓમિક્રોન કેસ નોંધાયા છે. અહીંના સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે અહીં વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે.દેશ-વિદેશમાં ઓમીક્રોન વેરિઅન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે લોકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક એવા દેશો છે જેમણે સાવચેતી રાખીને આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર બ્રેક લગાવી દીધી છે અથવા તો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકા અને બ્રિટનની સરકારો ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડને ધ્યાનમાં રાખીને આંશિક લોકડાઉન અથવા નિયંત્રણો લાદી શકે છે.ફ્રાન્સની વાત કરવામાં આવે તો અહીંની સરકારે ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે જેથી લોકો એકઠા ન થઈ શકે. આ સિવાય આયર્લેન્ડે રાત્રે ૮ વાગ્યા પછી પબ અને બારમાં પ્રવેશ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયેલે આજથી અમેરિકા, કેનેડા અને જર્મની સહિત ૧૦ દેશોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકતા પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રિટનમાં નાઈટક્લબ અને પાર્ટીઓમાં જતા પહેલા રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. નેધરલેન્ડે ૧૪ જાન્યુઆરી સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યાં હવે શાળાઓ, કોલેજાે, મ્યુઝિયમ, પબ, ડિસ્કોથેક અને રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે. ભારતના ઓમિક્રોનના કેસ વધીને ૧૬૧ થઈ ગયા છે અને તો છેલ્લા ૬ મહિનામાં પહેલીવાર દિલ્હીમાં એક દિવસમાં ૧૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા છે. રાજ્ય મુજબ મહારાષ્ટ્ર- ૫૪, દિલ્હી-૩૨, તેલંગાણા- ૨૦, રાજસ્થાન-૧૭, ગુજરાત- ૧૩, કેરળ-૧૧, કર્ણાટક-૮, ઉત્તર પ્રદેશ ૨ અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓમિક્રોન ચંદીગઢમાં એક-એક કેસ સામે આવ્યા છે.