ભારતમાં ચૂટાયેલા જનપ્રતિનિધિઓને પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હોય તો તે તમામને પેન્શન મળે છે. અને તેમાં પણ ધારાસભ્ય તરેકેનુ પેન્શન મળતું હોય અને તે જાે લોકસભામાં ચૂંટાય અને પાંચ વર્ષ પુરા કરે એટલે સાંસદ તરીકેનુ પણ પેન્શન મળે મતલબ ધારાસભ્ય તરીકે અને લોકસભાના જ સાંસદ તરીકે એમ બંને પેન્શન મળે… અને તેમાં પણ રાજ્યસભામાં ચૂંટાય તો તેનુ પણ પેન્શન મળે છે. જ્યારે કે સરકારી કર્મચારીની નિવૃત્તી બાદનુ એક જ પેન્શન મળે છે…. પછી તે કર્મચારીએ ભલે વિવિધ વિભાગોમાં વિવિધ પદ ભાર સંભાળી રહ્યા હોય પરંતુ પેન્શન ફક્ત એક જ મળે છે. તો ચૂંટાયેલા નેતાઓને ત્રણ ત્રણ પેન્શન મેળવવાનો અધિકાર છે. આ બાબતને લઈને ચૂંટાયેલા સભ્યોના પેન્શન અટકાવવા બાબતે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઇ છે કારણ કે ચૂંટાયેલા સભ્ય સરકારી નોકર નથી ગણાતા…. તો પછી તેઓને પેન્શન શા માટે…? અને એ પણ ત્રણ ત્રણ પેન્શન કઈ રીતે લઈ શકાય…..? આ બાબત ભારતભરના લોકોને અસર કરતા છે કારણ લોકોના ટેક્સના નાણાની આવકમાંથી આ નાણાં ચુકવાય છે. આ બાબત અનુસંધાને એક આરટીઆઇ એક્ટિવિસ્ટે આરટીઆઇ કરતા વિગતો બહાર આવી છે કે જેલમાં રહેલા કે જેલમાં જઈ આવેલા દાગી ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્ય દરેકને પેન્શન યથાવત મળતું રહે છે. જેલ થયા પછી પણ પેન્શન કે સરકારી લાભો અટકાવવામાં આવતા નથી. બીજી તરફ સરકારના કોઈપણ વિભાગના કર્મચારીને જાે ભ્રષ્ટાચાર સહિત કોઈપણ ગુના બાબતે જેલની સજા થાય તો તેને પેન્શન તો મળતું નથી પરંતુ સરકારી તમામ લાભ ગુમાવવા પડે છે. જ્યારે કે ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્યના તમામ સરકાર દ્વારા મળતા લાભ યથાવત મળે છે. ત્યારે આ બાબતને શું કહીશું…..?
તાજેતરમા એક આરટીઆઈ એક્ટીવિસ્ટને બિહાર સરકાર દ્વારા જણાવ્યા અનુસાર બિહારની અલગ અલગ જેલોમાં બંધ જૂના મહાનુભાવોનો ખર્ચ સરકાર ઉઠાવે છે. રાજ્યમાં લગભગ છ જેટલા એવા નેતાઓ છે જે ક્યારેક બિહાર વિધાનસભાના સભ્ય હતા…. પરંતુ હવે જેલમાં બંધ છે. આ મહાનુભાવો ભ્રષ્ટાચાર, બળાત્કાર અને હત્યા સુધીના બનાવોમાં જેલમાં છે. આમાંથી કેટલાકના આરોપો નક્કી થઈ ગયા છે, અને કેટલાક સજા કાપી રહ્યા છે, તો કેટલાક જામીન ઉપર જેલ બહાર છે. આ પૂર્વ ધારાસભ્યો માટે સરકાર વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે ચારા કૌભાડમાં સજા પામેલા લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ખૂન કેસમાં સજા કાપી રહેલા પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહ, આનંદ મોહન, વિજય કૃષ્ણ અને સગીરા બળાત્કાર કેસમાં જેલમાં બંધ રાજ વલ્લભ યાદવને સરકાર દર મહિને પેન્શન આપી રહી છે. જે પેન્શનનુ માસિક ટોટલ ચુકવણી રૂપિયા ૫૪.૭૨ લાખ રૂપિયા થવા જાય છે,આ પેન્શન ચૂકવણુ સરકાર ભોગવી રહી છે. લાલુ પ્રસાદ યાદવને બિહાર વિધાનસભાથી રૂપિયા ૮૯ હજાર દર મહિને મળે છે, ખૂન કેસમાં સજા કાપી રહેલા પ્રભુનાથ સિંહને રૂપિયા ૬૨ હજાર પેન્શન મળી રહ્યું છે, બળાત્કાર કેસમાં જેલમાં બંધ રાજવલ્લભ પ્રસાદને રૂપિયા ૭૧ હજાર પેન્શન મળે છે, ડુએમના ખૂન કેસમાં સજા કાપી રહેલા આનંદ મોહનને રૂપિયા ૪૭ હજાર પેન્શન મળી રહ્યું છે, હત્યાની ઘટનામાં સજા કાપી રહેલા વિજય કૃષ્ણને રૂપિયા ૬૨ હજાર પેન્શન મળી રહ્યું છે,ચારા કૌભાંડમા જેલમાં બંધ જગદીશ શર્માને મહિને ૧.૨૫ લાખ પેન્શન મળી રહ્યું છે, રાજવલ્લભ પ્રસાદ સિવાયના તમામને પૂર્વ સાંસદ તરીકેનું પેન્શન મળે છે. દર મહિને મળતું પેન્શન ભલે નિયમો વિરુદ્ધ નથી પરંતુ સામાન્ય લોકોના પૈસાની બરબાદી જરૂર છે….! ત્યારે સવાલ એ ઉઠે છે કે સરકારી નોકરી કરનારને ભ્રષ્ટાચારના બનાવમાં સજા થતાં તમામ સુવિધાઓથી હાથ ધોવા પડે છે… તો પછી જનપ્રતિનિધિઓને આવા અધિકાર શા માટે છે…..? જાેકે ઉદાહરણ બિહારનું જ દર્શાવ્યું છે તો અન્ય રાજ્યોમાં આવા પેન્શન મેળવતા કેટલા દાગી જન પ્રતિનિધિઓ હશે…..?
