ન્યુદિલ્હી,
ભારતે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાની નેવી દશકા સુધી બેઠી ન થઈ શકે એવી કફોડી સ્થિતિ સર્જી દીધી હતી. સાત ગનબોટ, એ નાનું યુદ્ધજહાજ, એક સબમરીન, બે યુદ્ધજહાજાે, ત્રણ પેટ્રોલિંગ બોટ, ૧૮ કાર્ગો શિપ, ત્રણ મર્ચન્ટ નેવી શિપનો નાશ કર્યો હતો. ૧૦ નાની બોટ પકડી લીધી હતી. ભારતે લોંચ કરેલા વિવિધ ઓપરેશન્સમાં પાકિસ્તાની નેવીના અડધો અડધ નૌસૈનિકો સાફ થઈ ગયા હતા.ભારતના આ હુમલા પછી પાકિસ્તાન રઘવાયું થયું. પાકિસ્તાન નેવીએ હંગોર સબમરીનને મેદાનમાં ઉતારી. હંગોર દીવ પાસેના દરિયા નજીક આંટાફેરા કરતી હતી. ભારતીય નેવીએ એમાંથી જતાં મેસેજના આધારે સિગ્લન પકડીને અંદાજ લગાવ્યો કે પાકિસ્તાનની સબમરીન આપણાં દરિયામાં છે. ભારતે એ માટે ફ્રિગેડ ખુકરીને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું. પરંતુ એ યુદ્ધમાં પહેલી અને છેલ્લી વખત પાકિસ્તાન નેવીનો હાથ ઉપર રહેવાનો હતો. ખુકરી હંગોરનો શિકાર કરે તે પહેલાં હંગોરે ખુકરી પર નિશાન સાધી દીધું. એ ફ્રિગેડે ૯મી ડિસેમ્બરે કેપ્ટન સહિત જળસમાધિ લીધી. બીજા વિશ્વયુદ્ધ પછી સબમરીને સફળ હુમલો કર્યો હોય એવું પહેલી વખત બન્યું હતું. એમાં ભારતના ૧૯૨ નાવિકો અને અધિકારીઓ શહીદ થયા હતા. એ જ ક્ષણે ઈન્ડિયન નેવીએ બદલો લેવાનો નિર્ધાર કર્યો. ૮-૯ ડિસેમ્બરની રાતે જ ભારતીય નૌકાદળે ઓપરેશન પાયથોન લોંચ કર્યું. એમાં વધુ એક વખત ટાર્ગેટ હતું કરાચી. બે ફ્રિગેડ અને એક મિસાઈલ બોટ સાથે લોંચ થયેલા એ મિશને પાકિસ્તાની નેવીને વધુ એક મોટો ફટકો માર્યો. એ ઓપરેશનમાં ભારતના પક્ષે કોઈ જ નુકસાન ન થયું, પરંતુ પાકિસ્તાને ઘણું ગુમાવ્યું. એક ફ્લિટ ટેન્કર, ઓઈલ સ્ટોરેજ કેપેસિટી, ત્રણ પાકિસ્તાની કમર્શિયલ શિપ અને બે વિદેશી કમર્શિયલ શિપ આ ઓપરેશનમાં ભારતની મિસાઈલ બોટે ઉડાવી દીધા. એટલું જ નહીં, પાકિસ્તાને અમેરિકા પાસેથી મેળવેલા યુદ્ધજહાજ સાન્ટા ક્લેરાને એવું નુકસાન થયું કે પછીથી એ ક્યારેય રીપેર જ ન થઈ શક્યું. પાકિસ્તાનના કમર્શિયલ પાયલટને એરફોર્સમાં કામચલાઉ ડયૂટી સોંપી હતી. તેણે બીજા દિવસે ભારતનું યુદ્ધજહાજ છે એમ માનીને પોતાના જ યુદ્ધજહાજ ઝુલ્ફીકાર ઉપર હુમલો કર્યો એટલે કરાચી બંદર કાટમાળમાં ફેરવાઈ ગયું.ભારત-પાકિસ્તાનનું ૧૯૭૧નું યુદ્ધ ઘણી બધી રીતે ઐતિહાસિક હતું. એ વખતે ભારત કે પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો ન હતા, પરંતુ એ સિવાયની બંને દેશોની લશ્કરી તાકાતની કસોટી હતી. ભારત પાસે બ્રિટન વખતના ઘણાં શસ્ત્રો હતા. એ પછી રશિયા પાસેથી જે સંરક્ષણ સહાય મળી હતી એનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાને અમેરિકાની મદદથી ભારતની સરખામણીએ આધુનિક શસ્ત્રો વસાવ્યા હતા. લશ્કરી વડામાંથી પાકિસ્તાનના પ્રમુખ બનેલા અયુબ ખાને ભારત સામેના યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને લશ્કરને દસ વર્ષમાં એવી રીતે તૈયાર કર્યું હતું. અમેરિકાની લશ્કરી સહાયથી પાકિસ્તાને ઘણા આધુનિક શસ્ત્રો એકઠાં કર્યા હતા. એ શસ્ત્રો જાેરે જ પાકિસ્તાન યુદ્ધમાં ઉતરવા થનગનતું હતું. અયુબ ખાનની જેમ યાહ્યા ખાને પણ ભારત સામે આક્રમક વલણ દાખવ્યું હતું. અમેરિકા-ચીનના ઉછીના અજવાળે પાકિસ્તાન ભારતને લલકારતું હતું. યુદ્ધ અનિવાર્ય બની ગયું ત્યારથી જ ભારતે આયોજન ઉપર ખાસ ધ્યાન આપ્યું હતું. કોઈ નબળી કડી ન રહે તે માટે આપણાં લશ્કરી અધિકારીઓ દિવસ-રાત મહેનત કરતા હતા. ભારત-પાકિસ્તાન માટે ૧૯૭૧નું યુદ્ધ બળાબળના પારખા હતા, જેમાં ભારતે એકથી એક ચડિયાતા મિશનો પાર પાડીને પાકિસ્તાનને ધૂળ ચડાવી હતી.
