નવી દિલ્હી
કેન્દ્ર સરકારની વિશેષ હેલૃથ ટીમ એરપોર્ટમાં તૈનાત થઈ ગઈ છે. આ ટીમ નવા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખે છે. તે સિવાય ભારતે બ્રિટન અને કેનેડા માટે ઈ-વિઝાની સુવિધા પણ હાલ પૂરતી બંધ કરી દીધી છે. બ્રિટન અને કેનેડાથી આવતા મુસાફરોએ રેગ્યુલર સ્ટેમ્પ વિઝા લેવા પડશે. ભારતથી જતાં મુસાફરો માટે આ બંને દેશોએ આકરા નિયમો લાગુ કર્યા હોવાથી ભારતે પણ સામો જવાબ આપ્યો હતો.બ્રિટન સાથે ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે. બ્રિટનથી ભારત આવેલા ૭૦૦ મુસાફરોને ૧૦ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બધાના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો થશે પછી પણ ટેસ્ટ કરાવવો પડશે. બ્રિટને ભારતથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો લાગુ કર્યા હતા. ભારતથી વેક્સિન લીધા પછી બ્રિટન પહોંચતા મુસાફરોને વેક્સિન લીધેલા ગણવામાં આવતા ન હતા. એટલું જ નહીં, તેમને ક્વોરન્ટાઈન કરીને ફરીથી વેક્સિન લેવાનું જણાવવામાં આવતું હતું. ભારત સરકારે આ નિયમોમાં અન્ય દેશોના નાગરિકોને મળે છે એવી છૂટછાટ આપવાની રજૂઆત કરી હતી, છતાં બ્રિટને કડક વલણ જાળવી રાખ્યું હતું. આખરે ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી હતી. ભારતે નવા નોટિફિકેશનથી નવો નિયમ લાગુ કર્યો હતો. એ પ્રમાણે બ્રિટનથી આવનારા તમામ પ્રવાસીઓએ ૧૦ દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવું ફરજિયાત છે. એ પછી એરપોર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ થશે અને ૧૦ દિવસના ક્વોરન્ટાઈન પીરિયડ પછી પણ ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ થશે. ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તેમને ક્વોરન્ટાઈનમાંથી મુક્ત કરવામાં આવશે. નવો નિયમ સપ્તાહની શરૂઆતથી જ લાગુ કરાયો હતો. એ પછી બ્રિટનથી ત્રણ ફ્લાઈટ દિલ્હી આવી પહોંચી હતી. એમાં ૭૦૦ મુસાફરો ભારત આવ્યા હતા. એ તમામ મુસાફરોને ૧૦ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. એ પેસેન્જર્સમાં ભારતીય નાગરિકો ઉપરાંત ઘણાં બ્રિટિશ નાગરિકો પણ છે.