નવી દિલ્હી
કોવિદ-૧૯નાં રસીકરણ સંબંધે ભારતે સિદ્ધ કરેલા આંકને દ્રષ્ટિમાં રાખી, યુરોપીય યુનિયનના લગભગ તમામ દેશોએ ભારતની (મોદીની) પ્રશંસા કરી હતી. આ મંત્રણા દરમિયાન, ભારતમાં ઉત્પાદિત કોવિદ રસીની નિકાસ ફરી શરૃ થવાનાં દ્વાર ખુલી ગયાં છે.રોમમાં, રહેલી મહાત્મા ગાંધીની પ્રતીમા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તે સંબંધે તેઓએ કરેલાં ટિ્વટમાં જણાવ્યું હતું કે, ”રોમમાં મને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની તક મળી. તેઓના આદેશોએ, દુનિયાભરમાં, લાખ્ખો લોકોને, સાહસ કરવા માટે પણ પ્રેરણા આપી છે.”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપીયન સંઘના (ઈ.યુ.)ના ટોચના નેતાઓ સાથે રોમમાં યોજાયેલ જી-૨૦ પરિષદ દરમિયાન મંત્રણાઓ કરી હતી. જેમાં વ્યાપાર, વાણીજ્ય, સંસ્કૃતિ અને પર્યાવરણના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા; સાથે, ભારત અને ઈ.યુ. વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે પણ ચર્ચા થઇ હતી. જી-૨૦ પરિષદના પ્રારંભ પૂર્વે જ રોમ પહોંચેલા મોદીએ, યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ તથા યુરોપીય આયોગનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેન સાથે પણ સાર્થક વાતચીત કરી હતી. તેમ, પ્રધાનમંત્રીના કાર્યાલયે ટિ્વટ ઉપર જણાવ્યું હતું. યુરોપીય આયોગનાં અધ્યક્ષા ડેર લેયેન સાથેની મંત્રણામાં પૃથ્વીને, માનવજાત માટે વધુ સારી બનાવવાના હેતુથી જનસામાન્યના આર્થિક ઉત્કર્ષ તથા દેશ-દેશના લોકો સાથેના સંબંધો વધુ સુદ્રઢ કરવા વિષે પણ ચર્ચા થઇ હતી. તે વિષેના માર્ગો શોધવા માટે પણ વિચારણા કરાઇ.
