Delhi

રાજયસભા અને લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું

નવીદિલ્હી
સંસદના શિયાળુ સત્રમાં સરકાર કેટલાય બિલ પાસ કરાવવામાં સફળ સાબિત થઈ હતી. સત્રની શરૂઆતમાં, કૃષિ કાયદાને પાછું ખેંચવાનું બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, મતદાર આઈડી કાર્ડને લિંક કરવા સંબંધિત ચૂંટણી સુધારણા બિલ, ન્યાયાધીશોના પગાર, ભથ્થા અને સેવાની શરતો, એનડીપીએસ બિલ, સીબીઆઈ-એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડાઓના કાર્યકાળમાં પાંચ વર્ષનો વધારો અને રિપ્રોડક્ટિવ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઈન્ડસ્ટ્રી રેગ્યુલેશન બિલને મંજૂરી મળી ગઈ છેર્‌ વિપક્ષના ૧૨ સાંસદોના સસ્પેન્શન રદ કરવાને લઈને સંસદમાં સતત હોબાળો થયો હતો. વિપક્ષે કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન ગેરબંધારણીય છે. તે જ સમયે, ગૃહના અધ્યક્ષે કહ્યું કે સસ્પેન્શન નિયમો અનુસાર છે. વિપક્ષના સાંસદો ૨૯ નવેમ્બરના રોજ સસ્પેન્ડ થયા બાદથી સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ધરણા કર્યા હતા તેમણે કહ્યું કે જ્યાં સુધી સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ સંસદની કાર્યવાહી દરમિયાન સવારથી સાંજ સુધી મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા પર બેસી રહેશે.સંસદનું શિયાળુ સત્ર બુધવારે તેના નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલા પૂર્ણ થયું. રાજ્યસભા અને લોકસભામાં ગૃહ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. અગાઉ, સંસદીય સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મોટાભાગના સત્તાવાર કાયદાકીય કામકાજ પૂર્ણ થઈ ગયા હોવાથી, વર્તમાન સત્ર તેના નિર્ધારિત સમયપત્રકના એક દિવસ પહેલા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી શકાય છે. વર્તમાન શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થયું હતું અને ૨૩ ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. સમગ્ર શિયાળુ સત્રમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. આ મુદ્દે વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે ગૃહને ઘણી વખત સ્થગિત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી દળોના નેતાઓ સરકાર પર આરોપ લગાવતા જાેવા મળ્યા હતા કે તેઓ સંસદમાં જનતાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા દેતા નથી. ખેડૂતોનો મુદ્દો, કૃષિ બિલ, મોંઘવારી, લખીમપુર ખીરી, પેગાસસ, લઘુત્તમ ટેકાના ભાવ જેવા મુદ્દાઓ પર વિપક્ષે સતત ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે સરકાર દ્વારા તેમની માંગણીઓને સીધી ફગાવી દેવામાં આવી છે. સમગ્ર સત્ર દરમિયાન વિપક્ષ ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાને બરતરફ કરવા પર અડગ રહ્યા. આ ઉપરાંત વિપક્ષ તરફથી ગૃહમાં સીમા સુરક્ષા દળનો કાર્યક્ષેત્ર વધારવાના મુદ્દે પણ ચર્ચાની માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *