નવી દિલ્હી
એસએન્ડપી ગ્લોબલ પ્લેટ્સ એનાલિટિકલ મુજબ, તહેવાર અને લગ્નસીઝનને કારણે આગામી કેટલાક મહિના દરમિયાન ભારતમાં પેટ્રોલિયમની માગમાં વધારો થશે. રેટિંગ એજન્સી ઇક્રાના વાઇસ-પ્રેસિડેન્ટ અને કો-ગ્રુપ હેડ પ્રશાંત વશિષ્ઠ મુજબ, ક્રૂડ ઓઇલ ૧ ડોલર પ્રતિ બેરલ મોંઘું થવા પર પેટ્રોલ-ડીઝલના ભાવ સરેરાશ ૫૫-૬૦ પૈસા પ્રતિ લિટર વધશે. એવામાં જાે ક્રૂડ ઓઇલ ૧૦ ડોલર પહોંચશે ટો પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦ રૂપિયા સુધી વધી શકે છે.સરકારી તેલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૧૦૭.૨૪ અને ડીઝલ ૯૫.૯૭ રૂપિયા થયું છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૩.૮૭ છે. આ મહિને ૨૩ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૮મી વખત વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૫.૬૦ અને ડીઝલ ૬ રૂપિયા મોંઘું થયું છે. જ્યારે ૨૦૨૧ની વાત કરીએ તો આ વર્ષે ૧ જાન્યુઆરીએ પેટ્રોલ ૮૩.૯૭ અને ડીઝલ ૭૪.૧૨ રૂપિયા પ્રતિલિટર હતું. હવે આ ૧૦૬.૫૪ અને ૯૫.૨૭ રૂપિયા પ્રતિલિટર થયું છે, એટલે કે ૧૦ મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ ૨૨.૫૭ અને ડીઝલ ૨૧.૧૫ રૂપિયા સુધી મોંઘું થયું છે. બેન્ચમાર્ક બ્રેન્ટક્રૂડના ભાવમાં લગભગ ૮૫ ડોલર પ્રતિ બેરલ છે, જે આગામી ત્રણથી ૬ મહિનામાં આ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એ ૧૦૦ ડોલર સુધી પહોંચવા પર પેટ્રોલ-ડીઝલમાં હાલની કિમતોથી ૮-૧૦ રૂપિયા પ્રતિલિટર વધુ મોંઘું થઇ જશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા વધુ વેટવાળાં રાજ્યોમાં કિંમતોમાં હજી વધુ વધારો થશે. ઇરાકના તેલમંત્રી અહેસાન અબ્દુલ જબબરી મુજબ, આગામી વર્ષે પ્રથમ અને બીજા ત્રિમાસિક વચ્ચે ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી જશે. બ્રેન્ટનો વર્તમાન ભાવ (૮૫ ડોલર)પહેલેથી જ એક વર્ષ પહેલા (૪૨.૫ ડોલર)ની તુલનામાં બમણા છે, જેથી ભારતની મુશ્કેલીઓ વધી છે, જે જરૂરના લગભગ ૮૫ ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. હજુ આયાત વધારવી પડી શકે છે.
