નવી દિલ્હી
લખનૌના ગૌતમપલ્લી ખાતે પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીને આગને હવાલે કરી દીધી હતી. પીલીભીત ખાતેથી ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ મુખ્યમંત્રી સમક્ષ દોષિતો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, લખીમપુર ખીરીની હૃદય વિદારક ઘટનામાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું. આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીજીને આકરી કાર્યવાહી કરવા નિવેદન કરૂ છું. આ ઉપરાંત તેમણે યોગી આદિત્યનાથને પત્રમાં અન્નદાતાઓની જે રીતે કચડીને હત્યા કરવામાં આવી તે સભ્ય સમાજમાં અક્ષમ્ય છે તેમ લખ્યું હતું. પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવામાં આવી ત્યાર બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પોતાની બહેનનું મનોબળ વધારવા પ્રયત્ન કર્યો હતો અને પોતે જાણે છે કે, પ્રિયંકા પાછી નહીં હટે તેમ લખ્યું હતું. કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીની ટિપ્પણીનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના દીકરા વચ્ચે રવિવારે થયેલી હિંસક અથડામણ દરમિયાન ૮ લોકોના મૃત્યુ થતા ઉત્તર પ્રદેશમાં ભારે હંગામો મચ્યો છે. રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા લખીમપુર જવા માટે નીકળ્યા હતા પરંતુ સીતાપુરના હરગાંવ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. તે સિવાય લખનૌ ખાતે ધરણાં પર બેઠેલા અખિલેશ યાદવને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશીષ મિશ્ર વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. લખીમપુર ખીરી ખાતે ખેડૂત આંદોલન દરમિયાન ૪ ખેડૂતો સહિત ૮ લોકોના મૃત્યુ થયા ત્યાર બાદ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે પંજાબના મુખ્ય સચિવને પત્ર લખીને ત્યાંથી કોઈને લખીમપુર ખીરી ન આવવા દેવા માટે વિનંતી કરી છે. રવિવારે લખીમપુર ખીરી ખાતે ખેડૂતોના ધરણાં દરમિયાન તેમના પર કેન્દ્રીય મંત્રીના દીકરાની ગાડી ચઢી ગઈ હતી જેમાં ૪ ખેડૂતોના મોત થયા હતા. ત્યાર બાદ જિલ્લામાં ભારે હંગામો મચ્યો હતો અને હિંસામાં કુલ ૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને લખીમપુર ખીરી જતા અટકાવવા માટે રાષ્ટ્રીય રાજમાર્ગ-૯ અને ૨૪ બંધ કરી દીધો છે. આ કારણે દિલ્હીથી ગાઝિયાબાદના અનેક રસ્તાઓ પર લાંબો જામ લાગ્યો છે.
