નવી દિલ્હી
સરકારના નવા ર્નિણય પ્રમાણે પામ તેલ પરની ડ્યુટી ૨૪.૭૫ ટકાથી ઘટાડીને ૮.૨૫ ટકા, આરબીડી પામોલિન પરની ડ્યુટી ૩૫.૭૫ ટકાથી ઘટાડીને ૧૯.૨૫ ટકા કરાઈ છે. આ જ રીતે ક્રુડ સોયા તેલ પર ૨૪.૭૫ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા, રિફાઈન્ડ સોયા તેલ પરની ડ્યુટી ૩૫.૭૫થી ઘટાડીને ૧૯.૫ ટકા, ક્રુડ સુરજમુખી તેલ પરની ડ્યુટી ૨૪.૭૫ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા અને રિફાઈન્ડ સૂરજમુખ તેલ પરની ડ્યુટી ૩૫.૭૫ થી ઘટાડીને ૧૯.૨૫ ટકા કરાઈ છે. તેના કારણે ખાધ તેલ માર્કેટમાં મંદી આવવાની પણ શક્યતા છે. કારણકે એક તો સ્ટોક પર સરકારે લિમિટ મુકી છે અને બીજી તરફ મોટા પાયે સપ્ટેમ્બરમાં તેલ આયાત કરવામાં આવ્યુ છે. તહેવારોની સિઝનમાં કમરતોડ મોંઘવારીના કારણે બેવડ વળી ગયેલા સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ખાવાના પામ ઓઈલ અને સન ફ્લાવર ઓઈલ પરનો એગ્રિકલ્ચર સેસ અને કસ્ટમ ડ્યુટીને ઘટાડી દીધી છે. આ પહેલા કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીએ પણ તેલ અને તલ પર સ્ટોક લિમિટ લાગુ કરી હતી. આ લિમિટ માર્ચ ૨૦૨૨ સુધી રહેશે. રાજ્યોને આ આદેશનુ સખ્તાઈપૂર્વક પાલન કરવા માટે કહેવાયુ છે. બીજી તરફ અખિલ ભારતીય ખાધ તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના મતે સરકારનુ પગલુ બહુ મોડુ છે. આ કાર્યવાહી પહેલા કરવાની જરૂર હતી. કારણકે તહેવાર એકદમ નજીક આવી ગયા હોવાથી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાનો લાભ તહેવાર ટાણે લોકોને મળશે નહીં. સરકારે સૌથી પહેલા તલ અને તલના તેલ પર જે પાંચ ટકા સ્ટેટ જીએસટી છે તે ઘટાડવાની જરૂર હતી.
