Delhi

હવેથી હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામકરણ કરવામાં આવ્યું

નવી દિલ્હી,
ભારત સરકાર દ્વારા ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભોપાલ સ્થિત હબીબગંજ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે આ પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. ભારત સરકારે ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો ર્નિણય લીધો છે. હકીકતે, સોળમી સદીમાં ભોપાલ ક્ષેત્ર ગોંડ શાસકોને આધીન હતું. એવું માનવામાં આવે છે કે, તે સમયે ગોંડ રાજા સૂરત સિંહ શાહના પુત્ર નિઝામ શાહ સાથે રાણી કમલાપતિના વિવાહ થયા હતા. રાણી કમલાપતિએ પોતાના સંપૂર્ણ જીવન કાળ દરમિયાન અત્યંત બહાદુરી અને વીરતાપૂર્વક આક્રમણકારીઓનો સામનો કર્યો હતો. ગોંડ રાણી કમલાપતિની સ્મૃતિઓને અક્ષુણ્ય બનાવી રાખવા માટે તેમના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ સ્વરૂપે ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના રોજ જનજાતીય ગૌરવ દિવસના ઉપલક્ષ્યમાં રાજ્ય શાસન દ્વારા હબીબગંજ રેલવે સ્ટેશન ભોપાલનું નામકરણ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન તરીકે કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનું હબીબગંજ રેલવે સ્ટેશન ભોપાલના અંતિમ હિંદુ રાણીના નામે થઈ ગયું છે. મધ્ય પ્રદેશ શાસનના રાજપત્રમાં આ અંગે પ્રકાશિત થઈ ગયું છે અને તેમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે. વર્લ્‌ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજ ભોપાલ ખાતે મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ નવેમ્બરના રોજ આ સ્ટેશનનું લોકાર્પણ કરશે. રાણી કમલાપતિ દેશની મહાન વીરાંગનાઓમાંથી એક હતી. ભોપાલના હબીબગંજ સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રાખવાના ર્નિણય પાછળ રાણીની વીરતા અને પરાક્રમને માનવામાં આવે છે. રાણી કમલાપતિ ગોંડ રાણી હતા અને ૧૮મી શતાબ્દીમાં ગિન્નૌરગઢમાં નિઝામ શાહનું શાસન હતું. શાહના સુંદર અને બહાદુર રાણી કમલાપતિ હતા. રાજા નિઝામ શાહના ભત્રીજા આલમ શાહનું શાસન બાડી ખાતે હતું. આલમ હંમેશા નિઝામ શાહની સંપત્તિ અને રાણી કમલાપતિને હાંસલ કરવા ઈચ્છતો હતો. તેણે રાણી સામે પ્રેમનો પ્રસ્તાવ પણ રાખ્યો પરંતુ રાણીએ તેને ઠુકરાવી દીધેલો. આલમ શાહે પોતાના ચાચા નિઝામ શાહના ભોજનમાં ઝેર ભેળવીને તેમની હત્યા કરી દીધી હતી. મહેલમાં થયેલા ષડયંત્ર બાદ રાણીએ મહેલ છોડવો પડ્યો હતો અને રાણી પોતાના દીકરાને લઈ ભોપાલ આવી ગયા હતા. આજે પણ ભોપાલમાં રાણી કમલાપતિનો મહેલ આવેલો છે. ઈતિહાસકારોના મતે રાણી કમલાપતિએ મોહમ્મદ ખાન પાસેથી એક લાખ રૂપિયાના બદલામાં મદદ લીધી હતી. રાણી કમલાપતિ પાસે પૈસા નહોતા પરંતુ તેમ છતાં તેમણે રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. મોહમ્મદ ખાનની મદદથી રાણી કમલાપતિએ બાડી પર હુમલો કરી દીધો હતો અને આલમ શાહની હત્યા કરીને બદલો લીધો હતો. જીત બાદ રાણીએ મોહમ્મદને એક લાખ રૂપિયાના અવેજમાં ભોપાલનો એક હિસ્સો તેમને આપી દીધો હતો.

Habib-Ganj.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *